ગાંધીધામમાં મોડીરાત્રે જૂથ અથડામણમાં યુવાનનું મોત

ગાંધીધામમાં મોડીરાત્રે જૂથ અથડામણમાં યુવાનનું મોત
ગાંધીધામ, તા. 23 : રાપર તાલુકાનાં હમીરપર ગામમાં 15 જણનાં ટોળાંએ પાંચ જણાંની ઘાતકી હત્યા નીપજાવવાનો બનાવ હજુ તાજો જ છે, ત્યાં ગાંધીધામ શહેરના સુંદરપુરી વિસ્તારમાં આજે મોડી રાત્રે કુલ 40 જણના બે જૂથ વચ્ચે અથડામણમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરાયો હતો, જેમાં પુત્ર રાજુ રાઠોડનું મોત નીપજ્યું હતું. આ બનાવનાં પગલે ગાંધીધામ સંકુલમાં ભારે ચકચાર પ્રસરી છે. સુંદરપુરીમાં રાત્રિના 11 વાગ્યાની આસપાસ બનેલા બનાવ અંગે પ્રાપ્ત પ્રાથમિક  વિગતો મુજબ બે યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા મુદ્દે બે જૂથ વચ્ચે સમાધાનની વાત પણ થઇ હતી. બાદમાં સામાવાળાં જૂથના એક યુવાને હતભાગી યુવાન રાજુ પર છરીથી હુમલો કર્યો હતો જેથી મામલો તંગ બન્યો હતો. આ દરમ્યાન બન્ને જૂથ દ્વારા સામસામો પથ્થરમારો કરાયો હતો, જેમાં રાજુના પિતા મહેશભાઇને પણ ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં ગંભીર હદે ઘાયલ રાજુએ દમ દોડી દેતાં જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. બનાવની જાણ થતાં ગાંધીધામ એ-ડિવિઝન પી.આઇ. શ્રી સાગઠિયા અને સ્ટાફ ઘટનાસ્થળે ધસી ગયા હતા. ઉપરાંત બી-ડિવિઝન અને એ-ડિવિઝનનો કાફલો પણ બનાવ સ્થળે ખડકી દેવાયો હતો. આ લખાય છે ત્યારે રાત્રે એક વાગ્યાના અરસામાં પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ ચાલુમાં છે. બનાવના પગલે હોસ્પિટલમાં પણ લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં. પોલીસવડા પરીક્ષિતા રાઠોડ, નાયબ પોલીસવડા ડી. એસ. વાઘેલા સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ ઘટનાસ્થળે ધસી જઇ જાત માહિતી મેળવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer