નખત્રાણાનાં 30 ગામમાં મનરેગા યોજના તળે રોજગારી શરૂ

નખત્રાણાનાં 30 ગામમાં મનરેગા યોજના તળે રોજગારી શરૂ
બાબુ માતંગ દ્વારા-  નિરોણા (તા. નખત્રાણા), તા. 23 : કોરોના વાયરસની મહામારીને મ્હાત કરવા છેલ્લા બે માસથી  લાગેલા લોકડાઉનને લઇ સમગ્ર દેશમાં ધંધો-રોજગાર પડી ભાંગતાં ગ્રામીણ મજૂરવર્ગની હાલત ભારે કફોડી બની છે, ત્યારે છેલ્લા એક-બે સપ્તાહથી મનરેગા યોજના હેઠળ જળસંચયનનાં કામો શરૂ કરાતાં નખત્રાણા તાલુકાના 30 ગામોમાં 4142 મજૂરો રોજગારી રળી રહ્યા છે. કોરોના વાયરસને  લઇ ચોથા ચરણના લોકડાઉન દરમ્યાન નખત્રાણા તાલુકામાં  મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના (મનરેગા) હેઠળ શરૂ થયેલાં કામોને લઇ મજૂરવર્ગમાં આનંદની લાગણી ફેલાઇ છે. તાલુકા વિકાસ અધિકારી વિનોદભાઇ જોષી તેમજ તાલુકા ગ્રામ વિકાસ એજન્સીના આસિ. પ્રોગ્રામ ઓફિસર બાબુલાલ બ્રાહ્મણનાં માર્ગદર્શન હેઠળ તાલુકાના 30 ગામોમાં પ્રથમ તબક્કે આ યોજના તળે કામો શરૂ કરાયાં છે. જેમાં હાલ 4142 લોકો રોજગારી મેળવી રહ્યા છે. પાવરપટ્ટીના વંગ, ડાડોર, ખારડિયા, ઝાલુ, દેવીસર, ભીમસર સહિતનાં ગામોમાં પણ આ યોજનાનાં કામો છેલ્લા એકાદ અઠવાડિયાથી શરૂ થયાં છે. પાવરપટ્ટીના વંગ ગામે  સૌથી વધુ 447 મજૂરો ગામથી ઉત્તરે ચારેક કિ.મી.ના અંતરે મોટા રણના કાંઠાળ વિસ્તારમાં  મેણાંજર નામનાં નવા તળાવના નિર્માણમાં લાગ્યા છે. કચ્છમિત્રે આ કામની મુલાકાત લીધી ત્યારે મોટી સંખ્યામાં ગામનો મજૂરવર્ગ માટીકામમાં વ્યસ્ત બન્યો હતો. ગામના  ગ્રામ રોજગાર સેવકના જણાવ્યા મુજબ કોરોના જેવી કપરી પરિસ્થિતિ વચ્ચે આ તળાવનું નિર્માણ થયા પછી ચોમાસા દરમ્યાન ભારે માત્રામાં વહી જતું પાલર પાણી અટકી પશુ-પક્ષીઓ અને પર્યાવરણનાં જતન માટે ભારે ઉપયોગી બની રહેશે. સાથે આસપાસના ખેતરોમાં સિંચાઇ સુવિધા પણ ઊભી થઇ શકશે. આ કામ પર આસિ. ઇજનેર તરીકે ફરજ બજાવતા અર્ણવ બૂચના જણાવ્યા મુજબ મજૂરોને પૂરતી રોજગારી મળી રહે તે માટે માટીના પ્રકાર મુજબ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ દરેક મજૂર દૈનિક 200થી માંડી 224 રૂા. જેટલી મજૂરી મેળવી શકે છે. મજૂરીની ચૂકવણું મજૂરના બેન્ક ખાતામાં  સીધા જમા થતાં ખાયકીનો કોઇ પ્રશ્ન ઊભો થતો નથી. અંદાજે 15 લાખના આયોજન સાથે શરૂ થયેલાં આ તળાવનાં કામ પર કામ કરતા  મજૂરો માટે પીવાનાં પાણીની સુવિધા માટે બે છકડા કાર્યરત કરાયા છે. તો નજીકના  નિરોણા પ્રા.આ. કેન્દ્રમાંથી આરોગ્ય સુવિધા મળી રહી છે. મજૂરોને કોરોના વાયરસની સલામતી માટે માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હોવાનું મજૂરો પર દેખરેખ કરતા વાલજીભાઇ આહીર અને મીઠુભાઇ આહીરે કહ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer