લોકડાઉન વચ્ચે ઘેરબેઠા માટીકળા ચાલુ રાખી

લોકડાઉન વચ્ચે ઘેરબેઠા માટીકળા ચાલુ રાખી
રાપર, તા. 23 : એક પછી બે-ત્રણ લોકડાઉન, કોરોનાનો કહેર, ધંધા રોજગાર બંધ, આ બધાની વચ્ચે રાપરના સુલેમાન અબ્દુલ્લા કુંભારના આંગણામાં રહેલો ચાકડો અવિરત ચાલ્યો છે. તે એકપણ દિવસ લોકડાઉન નથી થયો. અલબત્ત લોકડાઉન અને તેનાં પગલે લગ્નગાળો  કોરોધોકાર જવાથી તેના માટીકામના ધીકતા ધંધાને અસર જરૂર થઈ છે. મૂળ ખીરઈના છપ્પન વર્ષીય સુલેમાનભાઈને આ માટી અને ચાકડો વારસામાં મળેલા છે. પિતા બહુ નાની ઉમરે અવસાન પામતાં તેમની માતા માટી કામ કરતા એમાંથી મોટા ભાઈ ઘડતા અને પોતે પકવતા શીખ્યા. ત્યારબાદ 1980માં માટીકામનો વર્કશોપ નીલપરમાં યોજાયો તેમાં ભાગ લઈ માટીકામમાં પારંગત બન્યા. અત્યારે માટીના તમામ વાસણો કુલડી, રામપાતર, કળશ, ચોરીની નાની માટલીઓ, નાનકડા ઘડા, બેડા, ડિનર સેટ, લગ્નમાં વપરાતા ગોતીડા, સામૈયાના કળશ, કિચન સેટ, ચા માટે માટીના કપ... આવી તો અનેક કલાત્મક વસ્તુઓ સુલેમાનભાઈ પાસે હાજરમાં મળે. તો અત્યારે બીડી-સિગારેટની અછત હોવાથી જૂના જમાનાની હોકલી પણ મળે છે. ખાસ તો તેમના હાથે બનેલી માટલી અને ગોતીડાના સેટ ઉપર જ્યારે તેમના પુત્રવધૂ જુલેખાબેનનો હાથ જે રંગ અને ચિત્રકામના લસરકા મારે પછી એ ચીજ લાખેણી બની જાય! ચાર ધોરણ ભણેલા સુલેમાન અને એવી જ ઓછી શૈક્ષણિક કેળવણી લીધેલા તેમના પુત્રવધૂ જુલેખાબેનના હાથમાં ભલભલા વિદેશીને આકર્ષવાની પૂરેપૂરી હથરોટી છે. અત્યારે લગ્નસરામાં મારે ત્યાં ચોરીની માટલીઓ, ગોતીડા, કળશ, ચા માટેના માટીના કપ જેવી આઈટમોની ખૂબ જ માંગ રહેતી હોય છે. જે લોકડાઉનને કારણે નથી રહી તો ચાના પંદરસો કપ ઓર્ડર કેન્સલ થવાથી એમ જ પડયા રહ્યા છે. પરંતુ આશા અમર છે અને એટલે જ અમે અત્યારથી નવરાત્રિ માટેના ગરબાનું અને કોડિયા-કુલડીનું કામ ચાલુ કરી દીધું છે. આમેય ચોમાસામાં માટીકામ ન થઈ શકતું હોવાથી અત્યારથી ચાલુ કરી દીધું છે. ગુજરાત અને ગુજરાત બહાર યોજાતા પ્રદર્શન કમ વેચાણ માટે આમંત્રણ મળતું હોય છે. પરંતુ દીકરાઓ પોતપોતાના અલગ ધંધામાં લાગ્યા હોવાથી એકલો થઈ જતો હોવાથી ના પાડું છું. હા, લોકડાઉન દરમ્યાન એક દીકરાને દિલચશ્પી લાગવાથી તે માટીકામ ઉપર હાથ અજમાવી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું. કલાત્મક વાસણો, ડિનર-કિચન સેટ, ઠંડા પાણીની બોટલો અને આર્ટિસ્ટીક ગરબા બનાવતા આ માટીના માણસનું વર્કશોપ એકાદવાર જોવા જેવું ખરું ! (તસવીર-હેવાલ : ઘનશ્યામ મજેઠિયા) 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer