ભુજ-ગાંધીધામમાં ઓડ-ઈવન જારી રહેશે

ભુજ-ગાંધીધામમાં ઓડ-ઈવન જારી રહેશે
ભુજ, તા. 23 : કચ્છના વેપારીઓને પડતી હાલાકીઓ અંગે આજે જિલ્લા વિવિધ ચેમ્બરના પ્રમુખો એકત્ર થઈ જિલ્લા કલેકટર સાથે બેઠક યોજી હતી, જેમાં સમયમર્યાદા વધારાવા તથા ઓડ-ઈવન પ્રથા નાબૂદ કરવાની રજૂઆત પર ભાર મુકાતાં જિલ્લા કલેકટરે ભુજ અને ગાંધીધામ સિવાય કચ્છમાં કયાંય ઓડ-ઈવન પ્રથા લાગુ નહીં કરાય તેવું જણાવ્યું હતું, પરંતુ વેપારીઓએ મચક ન આપતાં કલેકટરે દર બુધવારે વીડિયો કોન્ફરન્સવાળી ગુજરાત રાજ્યની કેબિનેટ મિટિંગમાં કચ્છના વેપારીઓને રજૂઆત કરવા ઈજન આપ્યું હતું અને કચ્છના વેપારીઓનો અવાજ મુખ્યમંત્રી સમક્ષ પહોંચાડવાની ખાતરી આપી હતી. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભુજના પ્રમુખ અનિલભાઈ ગોરની આગેવાની હેઠળ આજે જિલ્લા કલેકટર  પ્રવીણાબેન ડી.કે. સાથે  આજે સમગ્ર કચ્છની ચેમ્બર જેવી કે માંડવી ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશી, નખત્રાણા ચેમ્બરના પ્રમુખ બાબુભાઈ ધનાણી,  ભચાઉ ચેમ્બરના પ્રમુખ હર્ષદભાઈ ઠક્કર, અંજાર  ચેમ્બરના  ભરતભાઈ શાહ, રાપર  ચેમ્બરના  નીતિનભાઈ ઠકકર, નલિયા મર્ન્ચટ એસો.ના પ્રમુખ હકૂમતાસિંહ જાડેજા અને મુંદરા  એસા.ના પ્રમુખ રહીમભાઈ ખત્રીના પ્રતિનિધિઓના મંડળે  કચ્છના વેપારીઓને પડતી હાલાકીઓની રજૂઆત કરવા માટે થોડા દિવસ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસે  ઇ-મેઈલ દ્વારા રજૂઆત કરી હતી તેના અનુસંધાને  વેપારીઓને પડતી મુશ્કેલી અંગેનો પત્ર લખી તેનો નિવેડો ન આવતાં  સમગ્ર કચ્છ ચેમ્બરના પ્રમુખો  સરકારને રજૂઆત કરવા કલેકટર  પાસે ગયા.સરકારી જાહેરનામા મુજબ  સમયમાં ફેરફાર અંગે ચર્ચા કરવામાં આવી. આ અંગેની વિગતવાર ચર્ચા કરતાં કલેકટરે કહેલું કે, વેપારીઓને પડતી મુશ્કેલી હું જાણું છું. વેપારીઓ ફક્ત દિવસમાં  સવારે 10થી 12 સુધી જ કામ કરી શકે છે. બપોરના સમયે આવી ગરમીમાં કોઈપણ ગ્રાહક નથી આવી શકતો, મજૂર વર્ગને સાંજનો જ સમય ખરીદી માટે અનુકૂળ રહે છે. ઓડ-ઈવન અંગેની ચર્ચા કરતાં ટૂંક સમયમાં તેનું નિરાકરણ આવી જશે અને અત્યારે નગરપાલિકા તરફથી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે કલેકટરે ચાલુ મિટિંગમાં  તંત્રને સૂચના  આપેલી કે હવેથી સમગ્ર કચ્છના કોઈ વેપારી પાસેથી એક પણ રૂપિયાનો દંડ લેવામાં આવશે નહીં તથા બીજા પણ કોઈ સરકારી ટેક્સ ભરણા માટે  સ્વૈચ્છાએ કોઈ ભરી જાય તો ઠીક છે પણ તેના માટે આગ્રહ કરવામાં નહીં આવે. પોલીસ દ્વારા પણ કોઈ વેપારીને હેરાનગતિ કરવામાં નહીં આવે એવી તેમણે ખાતરી આપી હતી. લોકડાઉન-3ના બદલે લોકડાઉન-4માં છૂટછાટ વધવી જોઈએ એના બદલે ઘટાડો કરવામાં આવ્યો, જ્યારે દેશમાં તારીખ 25થી હવાઈ સેવા સ્ટાર્ટ થાય છે, ટ્રેન ચાલુ થાય છે અને બસો ચાલુ થઈ ગઈ છે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પરમિશન લેવાની નથી ત્યારે વેપારીઓ માટે  વેપાર કરવાનો સમય ઓછો કેમ ? વેપારીઓ અત્યારની પરિસ્થિતિમાં  માનસિક અને આર્થિક રીતે પરેશાન છે, જ્યારે 3 મહિને લાઈટ બિલ, માણસોના પગાર, દુકાનના ભાડા, ઘરના ખર્ચા, મેઈન્ટેનન્સ ભરવા. અત્યારનો સમય વેપારીઓ માટે મુશ્કેલભર્યો છે. જ્યારે કચ્છ કલેકટર પાસે વેપારીઓને પડતી  મુશ્કેલીની રજૂઆત કરવા ગયેલા ત્યારે તેમનો હકારાત્મક અભિગમ સાથેનો પોઝિટિવ જવાબ મળ્યો છે. અગાઉ લોકડાઉન-3માં પણ ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતાં ચેમ્બરની રજૂઆત અન્વયે વિશેષ છૂટછાટ આપી હતી. આ મિટિંગમાં ઓડ-ઈવનનો મુદ્દો  મુખ્ય રહ્યો હતો અને આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરતાં અને અનિલભાઈની ધારદાર રજૂઆતને સાંભળતાં કલેકટરે કહ્યું કે, ભુજ અને ગાંધીધામ સિવાય કચ્છના બધા વિસ્તારોમાં ઓડ-ઈવન લાગુ નહીં કરીએ, પરંતુ અનિલભાઈને આ મુદ્દો સ્વીકાર્ય નહોતો. એમની રજૂઆત એવી હતી કે, ભુજ અને ગાંધીધામમાં પણ ઓડ-ઈવન પ્રથા લાગુ ન હોવી જોઈએ. ત્યાર બાદ કલેકટરે કહેલું કે, મારી સત્તામર્યાદામાં  જે કંઇ પણ છે તે હું વેપારીઓ માટે કરી શકીશ. ભુજ અને ગાંધીધામના વેપારીઓનો ઓડ-ઈવન અને સમય વધારવાનો આગ્રહ હોય તો દર બુધવારે ગુજરાત રાજ્યની કેબિનેટ મિટિંગ હોય છે ત્યારે કચ્છના વેપારીઓ વતીથી તેમને પડતી મુશ્કેલીની રજૂઆત કરવા તેમણે ઈજન આપ્યું હતું. ચેમ્બરનો અવાજ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. દુકાનોની ઓડ-ઈવન પ્રથા કેન્સલ કરવામાં આવે અને દુકાન ખોલવાનો સમય સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી સરકારના નિયમોનું પાલન કરીને ખોલવા દેવી એવી રજૂઆત વેપારીઓની હતી.આ બેઠકમાં ચેમ્બરના ઉપપ્રમુખ રાજુભાઈ ટાંક, સહમંત્રી જગદીશભાઈ ઠક્કર, હોદ્દેદાર હરિભાઈ ગોર, ભદ્રેશભાઈ દોશી તથા મુંદરાના વસંતભાઈ ઠક્કર, માંડવીના નરેન્દ્રભાઈ સુરુ, નખત્રાણાના રાજેશભાઈ પલણ સહિત પ્રતિનિધિઓનું મંડળ મળ્યું હતું.    

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer