હનુમાનનગરની વાડીમાં આગ લાગતાં એકાદ લાખનો ઘાસચારો ભસ્મીભૂત

હનુમાનનગરની વાડીમાં આગ લાગતાં એકાદ લાખનો ઘાસચારો ભસ્મીભૂત
નિરોણા (તા. નખત્રાણા) તા. 23 : પાવરપટ્ટીના લોરિયા નજીક હનુમાનનગરની એક વાડીમાં અચાનક લાગેલી આગમાં લાખેક રૂપિયાનો ઘાસચારો બળીને રાખ બન્યો હતો. આજે બપોર બાદ ગામ નજીક કરમશીભાઈ ભાનુશાલીની વાડીમાં એકત્ર રાખેલા જુવાર અને ગુવાતરીના ચારામાં અચાનક આગ ફાટી નીકળી હતી. વાડીમાં આગ લાગ્યાના સમાચાર ગામમાં પહોંચતાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ આગને કાબૂમાં લેવા મથામણ આદરી હતી, પરંતુ પવનની ગતિ વધુ હોઈ આગ કાબૂમાં ન આવતાં ગામના સરપંચ ભાણજીભાઈ ભાનુશાલીએ ભુજ સ્થિત ફાયર બ્રિગેડ શાખામાં જાણ કરતાં તાબડતોબ અગ્નિશામક ટુકડી પહોંચી આગ પર પાણીનો મારો ચલાવતાં માંડ-માંડ આગ કાબૂમાં આવી હતી ત્યાં સુધીમાં અંદાજે એકથી દોઢ લાખની કિંમતનો ઘાસચારો બળીને ભસ્મ બન્યો હતો. ગામના વાડી વિસ્તારમાં લાગેલી આગની જાણકારી મળતાં ભુજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનથી પી.એસ.આઈ. અગ્રાવત પણ દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ચારેક દિવસ અગાઉ આ જ વિસ્તારનાં ઝુરા કેમ્પમાં શોર્ટ સર્કિટને લીધે ઘાસચારાના વાડામાં લાગેલી આગમાં પણ બે લાખના કિંમતનું ઘાસ બળી ગયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer