કોરોના સામેના જંગમાં વાગડ પણ આગળ

કોરોના સામેના જંગમાં વાગડ પણ આગળ
ભુજ, તા. 23 : બૃહદ કચ્છીઓના આગમને સતત વધી રહેલા કેસ છતાં લોકસેવામાં અડીખમ રહેલા વાગડના લોકો કોરોનાને હરાવવા મક્કમ છે. ધારાસભ્ય સંતોકબેન અને દાતા ભચુભાઈના કાર્યોની લોકોએ સરાહના કરી હતી. કચ્છમિત્રે લોકોના પ્રતિભાવ જાણ્યા હતા.  કચ્છીઓ કચ્છ બહાર લાખોની સંખ્યામાં વસવાટ કરે છે. સ્થાનિક લોકોની મદદ સાથે બૃહદ કચ્છીઓની સંભાળ પણ લેવી પડે. ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા કચ્છમાં હવે એકમાત્ર કોંગ્રેસી ધારાસભ્ય છે. સત્તાપક્ષનો અને તેની સાથે સંકળાયેલાની ટીકા સ્વાભાવિક છે પરંતુ લોકોને સંતોષ છે. કચ્છમિત્રે વિવિધ વિસ્તારના લોકોના પ્રતિભાવ જાણ્યા હતા. પ્રશ્નો સંબંધે શ્રીમતી આરેઠિયાનો સંપર્ક કરતાં તેમણે આપેલી વિગત મુજબ મહામારીએ દેખા દીધી તે સાથે 40 હજાર માસ્કનું વિતરણ, 8000થી વધુ રાશનકિટ ગરીબ નિરાધારોને, ગામડાઓને સેનિટાઈઝ કરવામાં આવ્યા, લોકડાઉનના સમયગાળા દરમ્યાન દૈનિક હજારો લોકોને ભોજન પીરસાયું. મોટા ગામની ગ્રામ પંચાયતોનો સંપર્ક કરી મદદ પહોંચાડાઈ અને લોકડાઉનના ચુસ્ત અમલ માટે જાગૃત કરાયા, સંતોકબેને પોતાની 10 લાખની ગ્રાન્ટ રાપર મત વિસ્તારના દરેક આરોગ્ય કેન્દ્રદીઠ 1 લાખ અને નાના કેન્દ્રોમાં 50 હજારની ગ્રાંટ ફાળવી. સંતોકબેન આરેઠિયા ધારાસભ્ય છે તો તેમના પતિ ભચુભાઈ આરેઠિયા વાગડના દાતા છે. તેમણે બેવડી જવાબદારી નિષ્ઠાથી નિભાવી હોવાનો તટસ્થ નિર્દોષ અભિપ્રાય વાગડ વ્યક્ત કરી રહ્યું છે. વાગડ કોંગ્રેસ દ્વારા કચ્છમાં સૌ પ્રથમ હેલ્પલાઈન શરૂ કરાઈ હોવાની જાણકારી અપાઈ હતી. ભચુભાઈનું કહેવું છે કે, બૃહદ કચ્છીઓની જવાબદારી પણ આપણી છે. તેઓને મદદરૂપ થવું જરૂરી છે એટલે રાજકારણ રમતા લોકોને આવા સમયે પણ તું તું... મૈં...મૈં... સૂઝે છે. અમારું લક્ષ્ય લોકોના પ્રશ્નો ઉકેલવાનું છે. રાપર મત વિસ્તારના તમામ નાગરિકોની શક્ય તેટલી પૃચ્છા અમે કરવા પ્રયાસ કર્યો છે. વાગડ વિસ્તારમાં આવેલા રાજ્ય બહારના ભારતવાસી શ્રમિકોની મદદ પણ કરાઈ છે. ઓનલાઈન ફોર્મ, રાશન, કંપનીઓ પગાર આપે તે જોવાયું છે તો મજદૂરોને ટ્રેનથી મૂકવાની પ્રક્રિયામાં જાગૃતિ રાખી છે. સંતોકબેન મુંબઈ હોવાની ટીકાના જવાબમાં ધારાસભ્ય કહે છે : રાપર સ્થિત મારું જનસંપર્ક કાર્યાલય એક દિવસ બંધ નથી રહ્યું, હું સક્રિય છું, સાયબર નેટ દ્વારા લોકોના પ્રશ્નો જાણ્યા છે, અધિકારીઓને સૂચના આપી કામ કરાવ્યાં છે. લોકો એના સાક્ષી છે. અમે જે કર્યું છે, દિલથી કર્યું છે. દાતા તરીકે મારા પતિ વાગડની સેવા કરતા જ આવ્યા છે. હાલ લોકોના સાથથી ધારાસભ્ય છું. બેવડી જવાબદારી છે. વાગડ હંમેશાં દરેક ક્ષેત્રે આગળ રહ્યું છે. કોરોના સામેના જંગમાં પણ વાગડ આગળ જ રહેશે. તેમણે બૃહદ કચ્છમાંથી વાગડ આવેલા કચ્છીઓને સરકારી નિયમોનું ચુસ્ત પાલન કરવા, ક્વોરેન્ટાઈનમાં રહેવા પણ ભારપૂર્વક આગ્રહ-અનુરોધ કર્યો છે. મુશ્કેલી મોટી છે. તેથી સૌએ સાથે મળી લડવું પડશે. વાગડના મતદારોનો તેમણે આભાર વ્યક્ત કરતાં 099205 39292 નંબર પર સંપર્ક કરવા જણાવ્યું હતું. તેમણે રાપર કોંગ્રેસના તમામ કાર્યકરો, અધિકારીઓ, કોરોના વોરિયર્સ તબીબો, મેડિકલ-પેરામેડિકલ, પોલીસ, સરકાર કર્મીઓ સૌની પીઠ થાબડી યશના સાચા હક્કદાર ગણાવ્યા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer