કોરોનાના પ્રકોપથી સુરક્ષિત રહેવા ગોરેવાલી કટિબદ્ધ

કોરોનાના પ્રકોપથી સુરક્ષિત રહેવા ગોરેવાલી કટિબદ્ધ
ગોરેવાલી (તા. ભુજ), તા. 23 : દેશની દરેક સ્તરની સત્તામાં પાયાનું સ્થાન ધરાવતી ગ્રામ પંચાયતોમાં  તાલુકાની ગોરેવાલી જૂથ ગ્રામ પંચાયત પોતાના ત્રણ?ગામોને  કોરોનાના પ્રકોપથી સુરક્ષિત રાખવા માટે કટિબદ્ધ બની છે. આ પંચાયત દ્વારા મસ્જિદના  લાઉડ સ્પીકરમાં સ્થાનિક ભાષામાં કોરોના સંદર્ભની માહિતી ગામલોકો સુધી પહોંચાડવાનો  સ્તુત્ય પ્રયાસ કરાયો છે. આ જૂથ ગ્રામ પંચાયતમાં ગોરેવાલી સાથે પન્નાવારી અને આધિયાંગ ગામની જવાબદારી પણ છે. 2011ની વસતી ગણતરી પ્રમાણે ગોરેવાલી પંચાયતમાં કુલ 434 પરિવારો તથા 2104ની જનસંખ્યા છે. જેમાં મુત્વા (મુસ્લિમ), મારવાડા અને  વાઢા સમુદાય વસવાટ કરે છે. કોરોના મહામારી સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જનતા કર્ફ્યુની અપીલ કરવામાં આવી ત્યારથી જ જાગૃત સરપંચ લોકહિતમાં જાગૃતિલક્ષી કામગીરીમાં સક્રિય બની ગયા છે. લોકડાઉન દરમ્યાન કામ વગર ગામથી બહાર ન જવા અને બહાર ગામથી કોઇપણ મહેમાન આવવાના હોય તેને સવિનય મનાઇ કરવા, સાબુથી વારંવાર હાથ ધોવા માટે લોકોને સમજાવવામાં જાહેર સ્થળો જેવા કે  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વ્યાજબી ભાવની દુકાન (પીડીએસ) અને દૂધ કલેકશન સેન્ટર પર પાણી અને સાબુની વ્યવસ્થા તથા ગામમાં અતિ વંચિત એવા 20 પરિવારમાં સાબુ વિતરણ કરી આ પરિવારો પણ સ્વચ્છતા કેળવી સુરક્ષિત બને તેની તકેદારી લેવાઇ છે તથા ગામમાં પ્રવેશ કરવા માટે કે બહાર નીકળવા માટે સરપંચની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે. ગામના મુખ્ય માર્ગો તથા તમામ જાહેર સ્થળે જાગૃતિલક્ષી પોસ્ટર લગાડવામાં આવ્યાં છે. પંચાયતમાં તમામ ગામમાં સરપંચ અને સામાજિક ન્યાય સમિતિ ચેરમેન સહિત પંચાયત સભ્યોના સહયોગથી માઇક દ્વારા દરરોજ લોકોને જરૂરી જાણકારી આપવામાં આવી રહી છે. સદ્નસીબે ગોરેવાલી પંચાયતમાં કોઇપણ શંકાસ્પદ કેસ દાખલ થયો નથી, પરંતુ કચ્છ કે ગુજરાત બહાર અભ્યાસ કે વ્યવસાય અર્થે બહાર ગયેલા કુલ 8 લોકો 17 માર્ચથી 22 માર્ચ દરમ્યાન પરત આવતાં સૌ પ્રથમ તેમને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે સંકલન કરી તેમની ચકાસણી કરાવી. આ તમામ લોકો ક્યાંય ઘરથી બહાર ગામમાં અવર-જવર ન કરે તેની જવાબદારી સરપંચ અને જે તે ફળિયાના આગેવાનો અને પંચાયત સભ્યોએ રાખી હતી. મસ્જિદના  મુતવાલી અને ઇમામો સાથે મુલાકાત કરી ઘરમાં જ નમાઝ પઢવા તથા મસ્જિદના લાઉડ સ્પીકરથી કોરોના અને લોકડાઉનની જાણકારી આપવા સમજાવ્યા હતા. પરિણામે લોકો સુધી વધુ સારી રીતે કચ્છી ભાષામાં જાણકારી પહોંચી હતી.ગામના દાતાઓના સહયોગથી 60 હજારનો લોકફાળો એકત્ર કરી 1200 રૂપિયાની કિંમતની કુલ 50 રાશનકિટ તૈયાર કરી જરૂરિયાતમંદ વંચિત લોકોને ઘરે જઈને રૂબરૂ આપવામાં આવી હતી. તમે લોકડાઉનનો ચુસ્ત અમલ કરો અને તમારી રાશન કે આરોગ્ય જેવી તમામ મુશ્કેલી માટે પંચાયત તમારી સાથે છે તેવી ખાત્રી ગ્રામજનોને પંચાયત તરફથી આપવામાં આવી છે. તમામ કામગીરીમાં સરપંચ મુસ્તાક મુતવાની આગેવાનીમાં તલાટી સહ મંત્રી અરવિંદભાઇ યાદવ, ખાવડા પી.એસ.આઇ પરાક્રમસિંહ ખુશવાહા તથા ધોરડો પોલીસ ચોકી સ્ટાફ, ગોરેવાલી પ્રાથિમક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તથા સ્ટાફ, પ્રાથિમક શાળાઓનાં શિક્ષકોનો પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ મળી રહ્યો છે. સામાજિક ન્યાય સમિતિ ચેરમેન વીરા આલા મારવાડા, સભ્ય રામા આલા મારવાડા, ઉપ સરપંચ ગુલમામદ ઓભાયા મુતવા, પંચાયત સભ્યો તેમજ સ્વયંસેવક યુવાનો આ વિકટ પરિસ્થિતમાં સહયોગ આપનાર સર્વે અધિકારીઓ, દાતાઓ, સંસ્થાઓ, સંગઠનો તથા ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer