શ્રમિક ટ્રેનોમાં ફૂડ પેકેટનું અવિરત વિતરણ કરતો ભાજપ

શ્રમિક ટ્રેનોમાં ફૂડ પેકેટનું અવિરત વિતરણ કરતો ભાજપ
ભુજ, તા. 23 : કચ્છના વિવિધ ઔદ્યોગિક એકમોમાં કાર્યરત શ્રમિકોએ વર્તમાન સંજોગોવસાત વતનની વાટ પકડી છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સેવાની સરવાણી વહેવડાવીને કચ્છથી વિદાય લઈ રહેલા શ્રમિકોને કચ્છના રોટલા અને આશરાની પ્રતીતિ કરાવી છે. અબડાસાથી લઈને આડેસર સુધીના અનેક નાના-મોટા ખાનગી ઔદ્યોગિક એકમોમાં પેટીયું રળવા આવેલા શ્રમિકો માટે ભારત સરકારે ખાસ વ્યવસ્થાના ભાગરૂપે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની ફાળવણી કરી છે, જે અંતર્ગત ભુજ અને ગાંધીધામથી ઉપડતી ટ્રેનો દ્વારા હજારો શ્રમિકો માદરે વતન પહોંચી રહ્યા છે, ત્યારે કચ્છ જિલ્લા ભાજપના નેતૃત્વ હેઠળ વિવિધ સંસ્થાઓનાં સમન્વયથી શ્રમિકો માટે ફૂડ પેકેટ બનાવવાની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. શ્રમિકો માટે જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ અને સાંસદ વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ, સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને સરહદ ડેરીના સંયુકત ઉપક્રમે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભુજથી ઝારખંડ અને બિહાર માટે રવાના થયેલી બે ટ્રેનો, ગાંધીધામથી મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ તથા બિહાર માટે પ્રસ્થાન થયેલી કુલ પાંચ ટ્રેનો ઉપરાંત અંજારથી બિહાર જવા નીકળેલી એક ટ્રેન સહિતના છેલ્લા પાંચ દિવસમાં અંદાજે 11 હજારથી વધારે શ્રમિક યાત્રિકો માટે ફૂડ પેકેટ તૈયાર   કરીને વિતરણ કરી દેવાયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલના જણાવ્યા મુજબ આપત્તિના સમયમાં આમ જનતાની પડખે ઊભીને તેમની હિંમત અને હોંસલો વધારવો એ જનસંઘ વખતની ઉમદા પ્રણાલીનો વારસો આજે પણ ભારતીય જનતા પક્ષમાં યથાવત છે. આ સત્કાર્યમાં જિલ્લા ભાજપ મહામંત્રી અને સરહદ ડેરીના ચેરમેન વલ્લમજીભાઈ હુંબલ, સમાજ નવનિર્માણ ટ્રસ્ટના મનીષભાઈ બારોટ, ગાંધીધામ ચેમ્બરના બળવંતભાઈ ઠક્કર, હરીશભાઈ મહેશ્વરી વગેરે જહેમત ઉઠાવી રહ્યા હોવાનું જિલ્લા ભાજપ મીડિયા સહ ઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer