તોલાણી પોલીટેકનિક કોલેજ દ્વારા ઓનલાઈન વાલી મિટિંગ યોજાઈ

તોલાણી પોલીટેકનિક કોલેજ દ્વારા ઓનલાઈન વાલી મિટિંગ યોજાઈ
ગાંધીધામ, તા. 23 : આદિપુરની ગાંધીધામ કોલેજિએટ બોર્ડ સંચાલિત તોલાણી પોલીટેકનિક કોલેજ દ્વારા  ઓનલાઈન શિક્ષણનો માર્ગ અખત્યાર કરાયો છે. કોલેજના કોમ્પ્યુટર વિભાગ દ્વારા તાજેતરમાં ઓનલાઈન વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓનલાઈન શિક્ષણમાં કોલેજ સક્ષમ બનતાં લોકડાઉનના સમયગાળામાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ બાધા આવી ન હતી. ઓનલાઈન શિક્ષણ કાર્ય માટે જીસીબીના વહીવટી અધિકારી પ્રો. કે. વેંકટેશ્વરલુ અને કોલેજના આચાર્ય પ્રો. જે.કે. રાઠોડ દ્વારા તમામ વિભાગના વડાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સૂચનો પણ લીધાં હતાં. હાલના લોકડાઉનના સમયમાં કોમ્પ્યુટર વિભાગના વડા પ્રો. હની ગુરનાનીએ દરેક સેમેસ્ટરના વાલીઓ સાથે ઓનલાઈન મિટિંગ કરી હતી.  આ દરમ્યાન તેમણે ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ, ડિપ્લોમાંથી ડીગ્રીનો હેતુ, આવા સમયે પરીક્ષાઓ ક્યારે  અને કેવી રીતે લેવાશે તે અંગે તેમણે વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સેમેસ્ટર 4  અને સેમેસ્ટર 6ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વેબિનારના વર્ગો શરૂ કરી વૈવિધ્યપૂર્ણ રીતે શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત સિવિલ, મિકેનિકલ, ઈલેકટ્રીકલ અને કોમ્પ્યુટર વિભાગ દ્વારા ગૂગલ કલાસરૂમનો ઉપયોગ કરી ભણાવવામાં આવે છે. જેમાં નિરંતર એસાઈન્મેન્ટ, ક્વિઝ ટેસ્ટ  યોજી શિક્ષણ કાર્ય કરાવાય છે. વિજ્ઞાનના શિક્ષક નંદન પોમલે ગુજરાતીમાં બ્લોગ તૈયાર કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓને વૈકલ્પિક પ્રશ્નનો તેમજ જીટીયુના મહત્ત્વના સર્ક્યુલર જેવી માહિતી  ગુજરાતીમાં આપવામાં આવે છે. મિકેનિકલ વિભાગ દ્વારા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ગૂગલ મીટની મદદથી લોકડાઉન શિક્ષણ પદ્ધતિ ઉપર માહિતી આપવામાં આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer