ભુજના રેલવે મથકે ટિકિટ કાઉન્ટર પર પ્રથમ દિને માત્ર એક જ ટિકિટ બુક થઇ !

ભુજ, તા. 23 : ગઇકાલથી રેલવે મથકોએ ટિકિટ બુકિંગ રિઝર્વેશનના કાઉન્ટરો શરૂ થઇ ચૂકયા છે. કચ્છમાં ભુજ અને ગાંધીધામના રેલવે મથકે બુકિંગ કાઉન્ટર ખુલ્યાં હતાં. જેમાં ભુજના રેલવે મથકે ગઇકાલે માત્ર એક જ ટિકિટ બુક થઇ હતી.તો આજે સાત ટિકિટોનું બુકિંગ થયું હતું. બીજી તરફ નખત્રાણામાં પોસ્ટના રેલવે ટિકિટ કાઉન્ટર અંગે અવઢવ પ્રવર્તી રહી છે. દેશભરની સાથોસાથ ગઇકાલે ભુજના રેલવે મથકે પણ ટિકિટ બુકિંગ કાઉન્ટર શરૂ થયું હતું પરંતુ પ્રારંભના પ્રથમ દિને સમ ખાવા પૂરતી માત્ર એક જ ટિકિટ બુક થઇ હતી. જ્યારે બીજા દિવસે આજે માત્ર 7 ટિકિટ અને 13 પાસનું બુકિંગ થયું હોવાનું સ્ટેશન માસ્ટર કે.કે. શર્માએ જણાવ્યું હતું.  દરમ્યાન રેલવેએ દેશભરમાં પોસ્ટ ઓફિસોના પણ ટ્રેનોના ટિકિટ કાઉન્ટર ફરી કાર્યરત કરવાની જાહેરાત કરી દીધી છે પણ કચ્છમાં નખત્રાણા પોસ્ટ ઓફિસમાં આવેલા રેલવે ટિકિટ કાઉન્ટર અંગે કચ્છનું રેલવે  તંત્ર હજુ અવઢવમાં હોય એમ લાગે છે ! સૂત્રોના જણાવ્યા અનુસાર, કચ્છમાં રેલવે તંત્ર કહે છે કે હજી પોસ્ટના ટિકિટ કાઉન્ટરો અંગે સ્પષ્ટ ગાઇડલાઇન આવી ન હોવાથી હાલ નખત્રાણાનું પોસ્ટનું ટિકિટ કાઉન્ટર ચાલુ થયું નથી, મંગળવારે ચાલુ કરવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer