અઠવાડિયા પછી કોરોનામાં રાહતનો દિવસ

ભુજ, તા. 23 : કચ્છમાં મોટા પાયે જિલ્લા બહારથી કચ્છીઓ વતન આવી રહ્યા છે જેમાંથી કેટલાક રેડ ઝોનમાંથી આવતાં સંક્રમણની ભીતિ વચ્ચે આજે 61મા દિવસે જિલ્લા તંત્રે કોઈ પોઝિટિવ કેસ ન હોવાનું જણાવતાં સપ્તાહ બાદ એક દિવસ હાશકારો અનુભવાયો હતો. આજે જિલ્લામાં કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી તેવું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જાહેર કરતાં તંત્ર તથા કચ્છે શાંતિ અનુભવી હતી. ગત તા. 13, 14 અને 15મીના સાત ત્રણ દિવસ કોઈ પોઝિટિવ કેસ ન આવતાં કચ્છમાં કારોનાનો ભય નાબૂદ થશે તેવી આશા જાગી અને તેના બીજા જ દિવસે એ આશા ઠગારી નીવડી હતી. છેલ્લા 60 દિવસમાં 65 પોઝિટિવ કેસ નીકળી ચૂક્યા છે. 51 દર્દીઓ દાખલ છે ત્યારે સાવચેતી જરૂરી બની રહે છે. પણ બજારોમાં દેખાતી ભીડ સાવચેતીનો છેદ ઉડાવી રહી છે. કોરોનાને લગતી મહત્તમ માહિતીના સંકલન માટે જિલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં શરૂ કરાયેલા યુનિફાઈડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા વ્યવસ્થા તંત્ર ગોઠવાતું હોવાથી સાંજે છ વાગ્યા સુધીની માહિતી થોડી મોડી અપાઈ હતી. અત્યાર સુધી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર તેમજ આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા સાંજે 4 વાગ્યા સુધીની વિગતો સાંજે પાંચેક વાગ્યાના અરસામાં મીડિયાને મળી જતી હતી. કોરોનાની માહિતી આપવા માટે નિયુક્ત પ્રવક્તા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરને કશાક કારણે `કોરોનામુક્ત' કરાતાં તેમણે વિગતો જાહેર કરી નહોતી એટલું જ નહીં તેઓ જે મીડિયા ગ્રુપમાં માહિતી આપતા હતા તેમાંથી પણ નીકળી જતાં તંત્ર દ્વારા પૂરતી વિગતો ન અપાતી હોવા બાબતે જાગેલી શંકાની આગમાં ઘી હોમાયા જેવી આશંકા મીડિયાએ વ્યક્ત કરી હતી. માર્ચ મહિનામાં કચ્છનો પહેલો પોઝિટિવ કેસ દેખાયો ત્યારથી અત્યાર સુધીના મોટાભાગના પોઝિટિવ કેસની હિસ્ટ્રી કચ્છ બહારની રહી છે. એક માત્ર દર્દીના મૃત્યુ (માધાપર)ના  સોર્સ માટે આરોગ્ય તંત્રની મથામણ લેખે લાગી નથી. કચ્છના દશ પૈકી નખત્રાણા તાલુકામાં હજુ સુધી કોઈ પોઝિટિવ કેસ દેખાયા નથી. જ્યારે 65માંથી 27 કેસ સાથે વાગડ સૌથી આગળ છે. કોરોના વાયરસના પગલે કચ્છમાં જિલ્લા તંત્ર દ્વારા ક્રીનિંગ કરાઈ રહ્યું છે. ગઈકાલ સાંજે ચાર, આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 2920 વ્યક્તિઓનું ક્રીનિંગ કરાયું છે. અત્યાર સુધી કુલ 2,16,239 લોકોનું ક્રીનિંગ કરાયું છે.જેમાંથી અત્યાર સુધીમાં કુલ 2077 જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. અત્યાર સુધીમાં કુલ 1953 વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલમાં 50 એક્ટિવ પોઝિટિવ કેસ છે તેવુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે. કુલ્લ 16811 લોકો ક્વોરેન્ટાઈન જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર કચ્છ અને આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાયરસના પગલે કુલ 16,811 લોકોને ક્વોરેન્ટાઈન હેઠળ રખાયા છે. છેલ્લા 24 કલાક દરમ્યાન 1977 જેટલી વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવી છે. કુલ 16811માંથી 14834 વ્યક્તિઓને ઘરમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. કુલ 26,029 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરાઈ હતી. જેમાંથી 11,195 વ્યક્તિઓએ 14 દિવસનો ક્વોરેન્ટાઈન પિરીયડ પૂર્ણ કર્યો છે.વિવિધ હોસ્પિટલોમાં 304 આઈસોલેશન વોર્ડ છે. જેમાં 193 શંકાસ્પદ વ્યક્તિઓમાંથી અત્યાર સુધી 141ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 51 દર્દી એડમિટેડ છે. જિલ્લામાં કુલ 2531 ઈન્સ્ટિટયૂશનલ ક્વોરેન્ટાઈન વ્યવસ્થામાં 2180 વ્યક્તિઓને રાખવામાં આવી છે. જેમાંથી 203 વ્યક્તિઓને મુક્ત કરવામાં આવી છે. જેમાં હાલમાં 1977  વ્યક્તિઓ ક્વોરેન્ટાઈનમાં છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer