`ઉપર'' થી ઉતર્યા તો શું ? 7 દિવસ કવોરેન્ટાઇન

ભુજ, તા. 23 : સોમવારથી સમગ્ર દેશમાં ડેમેસ્ટિક ફલાઇટ શરૂ થવા જઇ રહી છે ત્યારે વિમાન માર્ગે આવતા લોકોને ઇન્સ્ટિટયૂશનલ કવોરેન્ટાઇન કરવામાં આવશે કે કેમ તે અંગે જારી અટકળો વચ્ચે કચ્છમાં વિમાન માર્ગે આવતા લોકોને સાત દિવસ સુધી સરકારી કવોરેન્ટાઇન થવું પડશે.ગુરુવારે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સુરીએ વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરી ત્યારે તેમણે પ્રવાસીઓને માત્ર હોમ કવોરેન્ટાઇન કરવાની કરેલી વાત વચ્ચે કેટલાક રાજ્યોએ આ બાબતનો વિરોધ કર્યો હતો. કચ્છમાં પણ ભુજ અને કંડલાની વિમાની સેવા શરૂ થવાની છે ત્યારે ડિઝાસ્ટર મામલતદાર વી.એ. પ્રજાપતિને આ બાબતે પૂછતાં તેમણે કહ્યું કે, વિમાની સેવા માટે હજુ સુધી અમને કોઇ અલાયદી માર્ગદર્શિકા મળી નથી. જેથી અન્ય રાજ્યોના લોકો માટે જિલ્લા કક્ષાએથી જાહેરનામું બહાર પાડી જે આદેશ કરવામાં આવ્યો છે તેનો અમલ કરી વિમાન માર્ગે આવતા તમામને નિયમ અનુસાર સાત દિવસ સરકારી અને એ પછીના સાત દિવસ હોમ કવોરેન્ટાઇનમાં રખાશે. જે રીતે રસ્તા માર્ગે આવતા લોકોને જિલ્લાની બે ચેક પોસ્ટ ખાતે મેડિકલ તપાસણી સહિતનું કાર્ય કરવામાં આવે છે તેવી જ રીતે જિલ્લાના બન્ને એરપોર્ટ ખાતે આવતા તમામ પ્રવાસીઓની મેડિકલ-તપાસણી, ક્રીનિંગ કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આરોગ્ય તંત્રની ટુકડીને અહીં મૂકવામાં આવશે.તો રાજ્ય બહારથી આવતા લોકો માટે જે સૂચનાઓ હાલમાં અમલી છે તેનો વિમાન માર્ગે આવતા પ્રવાસીઓ માટે અમલ કરવામાં આવશે. નોંધનીય છે કે, ડોમેસ્ટિક ફલાઇટની સેવા કાર્યરત થવા સબબ ભુજ અને કંડલાથી વિમાની સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer