કચ્છમાં કાળાબજાર સંદર્ભે તોલમાપ કચેરી દ્વારા થઈ ઓચિંતી તપાસ

ગાંધીધામ, તા. 23 : લોકડાઉનના ચોથા તબક્કામાં પાન મસાલાની દુકાનોને છૂટ આપવામાં આવ્યા બાદ પણ હજુ કાળાબજારની વ્યાપક ફરિયાદો આવી રહી છે ત્યારે તોલમાપ  કચેરી દ્વારા જિલ્લામાં વિવિધ વિસ્તારમાં પાન    મસાલાની  દુકાનમાં તપાસ કરાઈ હતી.આ અંગે સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન મદદનીશ નિયંત્રક વી. કે. પટેલના માર્ગદર્શન હેઠળ મોબાઈલ કોર્ટમાં જિલ્લાના નિરીક્ષકોએ અબડાસામાં પેટ્રોલ, ડીઝલની ઓછી ડિલિવરી અપાતી હોવા મામલે પેટ્રોલ પંપ સીલ કરાયો હતો. તેમજ જખૌ સોલ્ટમાં વાપરવામાં આવતો વે-બ્રિજ નિયમ મુજબ ન હોઈ બંધ કરવામાં આવ્યો હતો. ગાંધીધામના એક પાન પાર્લરમાં સિગારેટના એમ.આર.પી. કરતાં વધુ ભાવ લેવાતાં ધોરણસરની કાર્યવાહી કરાઈ હતી. અન્ય નાના-મોટા એકમોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. પેકેજડ કોમોડિટીઝ અને વજન માપ ધારાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ 220 એકમોની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. આ દરમ્યાન કસૂરવાર એકમો પાસેથી રૂા. 1.70 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ઈન્સપેકટર ડી. ડી. મોદી (નખત્રાણા), એસ. જી. ચૌધરી (અંજાર), જે. જે. પ્રજાપતિ (મુંદરા), ડી. એ. માતંગ (ગાંધીધામ), કુ. એ. એમ. દવે (માંડવી), જિગર નાયક (ભુજ), ચંદુલાલ સોમેશ્વર (આદિપુર)  વિગેરે જોડાયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer