ગાંધીધામના પોલીસ મથકમાં નોંધાયેલી એક અદૃશ્ય એફ.આર.આઈ.થી ચકચાર

ગાંધીધામ, તા. 23 : કોરોનાં સંક્રમણને લઈને લોકડાઉનથી માંડીને અનેક નવતર બાબતો આપણે જોઈ પરંતુ પૂર્વ કચ્છ પોલીસે પણ એક નવતર પદ્ધતિ અખત્યાર કરી છે. આ શહેરના બી ડિવિઝન પોલીસ મથકમાં એક અદૃશ્ય એફ.આર.આઈ. નોંધાઈ છે, જેની નંબર સિવાયની કોઈ વિગતો ઉપલબ્ધ નથી. સંવેદનશીલ બતાવીને ઓનલાઈન એફ.આઈ.આર. પણ વિગતો આપતું નથી, તો પોલીસ મથકના કર્મચારીઓ, અધિકારીઓએ આ 1009 નંબરની એફ.આઈ.આર.સંદર્ભે મોઢાં સીવી લેતાં શંકા જન્મી રહી છે. ગુનાનો પ્રકાર, ફરિયાદી, આરોપી એવી કોઈ જ વિગતો નહીં આપવા પાછળનો પોલીસનો તર્ક તપાસને નુકસાન ન થાય તેવો હોવાનું સૂત્રો કહે છે, પરંતુ જો ગુનો શું છે તે પણ ન દર્શાવાય તો પછી પોલીસની મનસા સ્પષ્ટ થઈ શકે નહીં. સંવેદનશીલ એટલે કોમી વૈમન્સ્ય, રાજકીય ખટરાગ, કોઈ મોટાં માથાંની સંડોવણી, કેવા પ્રકારનો ગુનો છે તે જ પોલીસ છુપાવી રહી છે. તપાસનાં હિત માટે કેટલીક બાબતો ભૂતકાળમાં પોલીસે છુપાવી છે, પરંતુ તે અંગે અખબારોને વિશ્વાસમાં લેવાતાં આવ્યાં છે. આ પ્રથમ વખત એફ.આઈ.આર. છુપાવાઈ રહી છે, જે કાનૂની રીતે અયોગ્ય છે. પોલીસે આ રિપોર્ટ જાહેર કરવો જ પડે છે. એટલે જ પ્રશ્ન  ઊઠે છે કે એવી કઈ બાબત છે જેથી પોલીસને મૌન સેવવું પડયું છે ? 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer