અરજદારોનો જમાવડો જામતો એવી કચેરીઓમાં ભાસે છે સૂમસામ માહોલ

ભુજ, તા. 23 : કોરોનાના પગલે દેશવ્યાપી લોકડાઉન જાહેર થતાં એકાદ માસ સુધી સરકારી કચેરીના મોટાભાગનાં કાર્યો ઠપ થઈ ગયાં હતાં. ત્યારે જે કચેરીમાં અરજદારોની સામાન્ય રીતે વધુ ભીડ જોવા મળતી હોય છે એવા વિભાગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનાં પાલનના લીધે રાખવામાં આવતી તકેદારીનાં પગલે મહદઅંશે તો શાંત માહોલ જ પ્રવર્તતો જોવા મળી રહ્યો છે. તો લોકડાઉનના પગલે હજુ અનેક કામગીરી સંપૂર્ણ રીતે પાટે ચડી ન હોવાના પહેલા જેવો ધમધમાટ જોવા માટે હજુ રાહ જોવી પડશે તેવું હાલની સ્થિતિ જોતાં લાગી રહ્યું છે. જન સેવા કેન્દ્ર, સબ રજિસ્ટ્રાર ઓફિસ સહિતની એવી અનેક કચેરીઓ છે કે જેમાં આવશ્યકતાની તુલનામાં આવે તેવી કામગીરી કરાતી હોવાના લીધે અરજદારોની વધુ સંખ્યા રહે એ સ્વાભાવિક છે. પણ લોકડાઉનના કારણે આ તમામ કચેરીઓનું કાર્ય ખાસ્સો એવો સમય સુધી બંધ રહ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા સહિતના નિયમોને આધીન શરૂ કરવામાં આવ્યું છે. આ તમામ નિયમોની મહદઅંશે થઈ રહેલી ચુસ્ત અમલવારી વચ્ચે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ અને ટોકન નંબર મેળવીને જ કચેરીમાં કામસર આવવાની સૂચના અપાતી હોવાના લીધે સામાન્ય દિવસોમાં જોવા મળતું મોટા જમાવડાનું દૃશ્ય હવે થોડા સમય માટે ભૂતકાળ બની જાય તેવું દેખાઈ રહ્યું છે. લોકડાઉનમાં જે મોટાપાયે છૂટછાટ આપવામાં આવી છે, તેમાં સામાજિક અંતર જાળવવાની બાબતને અનિવાર્ય ગણાવવામાં આવી હતી. જેથી આ વાતને નજર સમક્ષ રાખી કેટલાક અગત્યના ગણી શકાય તેવાં નિયંત્રણો અમલી બનેલા હોવાનાં કારણે જ આ પ્રકારની સ્થિતિનું સર્જન થયાનો સ્પષ્ટ મત પ્રવર્તતો દેખાઈ રહ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer