કચ્છમાં કોરોના સંદર્ભે તંત્ર ગંભીર ન હોવાનો આક્ષેપ

ભુજ, તા. 23 : કચ્છમાં છેલ્લા ઘણા દિવસોથી પોઝિટિવ-નેગેટિવ કેસોની સંખ્યામાં પણ વિસંગતતા જોવા મળી રહી છે, તેને કચ્છ જિલ્લા કોંગ્રેસ કમિટીએ કમનસીબ ગણી શકાય. આના પરથી જિલ્લાનું આરોગ્ય તંત્ર ચકાસણીમાં ગંભીર નથી એવો આક્ષેપ કર્યો હતો. જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રશ્ન એ થાય છે કે જિલ્લાના કોરોના સંબંધિત વહીવટીતંત્રએ છેલ્લા ઘણા દિવસથી આંકડા આપવાનું શા માટે બંધ કર્યું? ઉપરાંત આગલા દિવસોના જૂના આંકડાઓ જાહેર કરી જિલ્લાનું આરોગ્યતંત્ર શું સાબિત કરવા માગે છે ? હાલમાં જે વિગત જાહેર કરવામાં આવે છે તેમાં ત્રુટીઓ વધુ પડતી જોવા મળે છે. જે બાબત પણ ખૂબ ગંભીર છે. આ બાબતો પરથી સાબિત થાય છે કે, તંત્રો વચ્ચે સંકલનનાં અભાવે કચ્છની પ્રજા સુધી સાચા આંકડાઓ પહોંચતા નથી જે દુ:ખદ છે. જિલ્લાનું આરોગ્યતંત્ર તથા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સંક્રમણ તથા પોઝિટિવ-નેગેટિવ કેસોની સંખ્યાની જાહેરાત ત્વરિત કરાય તો લોકોમાં જાગૃતિ ફેલાય કન્ટેઈન્મેન્ટ ઝોન તથા નોન કન્ટેઈન્મેન્ટ ઝોનની  પ્રજા પણ `વોરિયર્સ' જેવી ભૂમિકામાં આવી જાય. પરંતુ 24 કલાક સુધી પોઝિટિવ કેસોની જાહેરાતો સરકારી ધોરણે કરાતી નથી જેથી લોકોમાં કોરોના બાબતે જાગૃતતા કેમ આવે? 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer