શ્રીજીનગરમાં રખડતા કૂતરાઓના આક્રમણથી પિતા-પુત્ર માંડ બચ્યા

ભુજ, તા. 23 : ભુજિયાની તળેટીમાં આવેલા શ્રીજીનગર, શિવમ્ પાર્ક, સોનાલી પાર્ક સહિતના વિસ્તારમાં રખડતા કૂતરાઓ એટલી હદે ત્રાસરૂપ બન્યા છે કે હવે પગપાળા નીકળનારે હાથમાં લાકડી કે પથ્થર લઈને જ નીકળવું પડે છે. આજે સવારે પિતાની સમયસૂચકતા થકી એક પુત્રનો આબાદ બચાવ થયો હતો અન્યથા શેરીના રખડતા શ્વાન એક માસૂમને ફાડી ખાત. એન.આર.આઈ. નગર તરીકે ઓળખાતા આ શ્રીજી નગર સોસાયટીમાં એક મકાનમાં ભાડૂત તરીકે રહેતા ફૌજના એક કાર્યરત કર્નલનો પુત્ર પોતાના ઘરના આંગણે ઉભો હતો અને સોસાયટીમાં જ અહીં તહીં પેટ ભરતા રખડતા કૂતરાઓ એ માસૂમ પર તૂટી પડયા હતા. આ કૂતરાઓનું એકાએક આક્રમણ અને બાળકની ચીસાચીસથી કર્નલ પિતા ઘરમાંથી બહાર આવી હિંમતભેર પોતાના બાળકને કૂતરાઓના મોંમાંથી ખેંચી બચાવીને ઘરમાં લઈ જયાં ગયા ત્યાં એ શ્વાનોના ટોળાએ કર્નલ પર આક્રમણ કર્યું અને રીતસર જમીન પર ફેંકી દીધા હતા. ફૌજી અધિકારીનું કસરતી શરીર હોવાથી તેઓ આ વરુ જેવા શ્વાનો સામે ટકી રહ્યા અને જાણે દ્વંદ્વયુદ્ધ હોય તેમ કૂતરાઓએ તેમને પગમાં પીઠમાં બટકા ભર્યા?હતા. જો કે રાડોરાડથી ડરીને કૂતરા ભાગ્યા હતા અને લોહીલુહાણ પિતા-પુત્રને સારવારાર્થે લઈ જવાયા હતા.આ સભ્ય અને સુશિક્ષિત સોસાયટીમાં આ રખડતા કૂતરા અવાર-નવાર કજિયા-કંકાસનું કારણ બની રહ્યા છે. કારણ કે જીવદયાપ્રેમીઓ આ કૂતરાઓને સાચવે છે અને ખવડાવે છે. પરિણામે સુધરાઈની ટીમ પણ કૂતરા પકડવા આવે ત્યારે એ ઘરોમાંજ કૂતરા સંતાઈ જઈને બચી જાય છે.આજના બનાવને પગલે આવા કૂતરા સાચવતા નાગરિકો સામે સંભવત: પોલીસ ફરિયાદ કરવાની તજવીજ પણ ઈજાગ્રસ્ત પરિવારે હાથ ધરી છે. સુધરાઈ તંત્ર પણ આ રખડતા કૂતરા પકડે તેવો અનુરોધ કરાયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer