કંડલા ડીપીટી સ્ટાફ ક્વાર્ટર કરાવાશે ખાલી

ગાંધીધામ, તા. 23 : મહાબંદર કંડલા ખાતે આવેલા દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના સ્ટાફ ક્વાર્ટર્સ જર્જરિત બની ગયા છે અને ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોવાથી ડીપીટી પ્રશાસને કંડલા સ્ટાફ કવાર્ટર્સમાં રહેતા તમામ કર્મચારીઓને ગાંધીધામ સ્ટાફ કવાર્ટર્સમાં ખસેડવા આદેશ કરતાં દોડાદોડ થઈ પડી છે. અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કામદારની પોસ્ટ મુજબ જુદા-જુદા વર્ગના સ્ટાફ કવાર્ટર્સ ફાળવાતાં હોય છે. કંડલામાં જે કેટેગરીના સ્ટાફ કવાર્ટર્સમાં વધુ સ્ટાફ રહે છે તે કક્ષાના ક્વાર્ટર્સ ગોપાલપુરી કોલોનીમાં પૂરતા ખાલી નથી. હવે જો તમામ કંડલાના કવાર્ટર્સ ખાલી કરાવાય તો તમામને ગાંધીધામમાં સમાવી શકાય તેવી સ્થિતિ નથી. ઉપરાંત જ્યાં સુધી જર્જરિત કવાર્ટર્સનો સવાલ છે તો ગાંધીધામ ગોપાલપુરી કોલોનીમાં પણ મકાનોની સ્થિતિ ખૂબ સારી નથી. ડી.એલ.બી., એફ.સી.આઈ. કોલોની પણ ડીપીટી હસ્તકની છે. તેમાં તો કેટલાક લોકો દરવાજા કાઢીને વેચી મારતા હોવાની તથા અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદ છે. આ તમામ કવાર્ટર્સ આ કારણથી જર્જરિત પડયાં છે. દરમ્યાન કંડલાના સ્ટાફ કવાર્ટર્સ કોને ફાળવાયા છે અને ત્યાં ખરેખર કોણ રહે છે તે વ્યાપક તપાસનો વિષય છે. જો ડીપીટી દ્વારા આ સર્વેક્ષણ હાથ ધરાય તો અડધા કવાર્ટર્સ તો કંડલામાં વિના કારણ ખાલી થઈ જશે. કારણ કે ઘણા ક્વાર્ટર્સ પેટા ભાડે અપાયેલાં છે, તેવો આક્ષેપ પણ ઊઠયો છે. અત્યારે કોરોના સંક્રમણ સામે યુદ્ધ ચાલી રહ્યું છે તેવા ટાંકણે આ કંડલાનાં ક્વાર્ટર ખાલી કરાવવાના બહાર પડેલા આદેશને લઈને ઘણા લોકો હાથ ઉપરના અન્ય કામ ટલ્લે ચડાવી દઈ 33 ટકા સ્ટાફના બહાને મારે કેટલે પહોંચવું ? તેવા પ્રશ્નો  પણ ઊભા કરી રહ્યા છે. ઓછો સ્ટાફ અને અન્ય ભારણને લઈને કર્મચારી-અધિકારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer