વિપક્ષ પશુ સબસિડીના નામે ઊહાપોહ બંધ કરે : અંજારમાં 92 લાખ ચૂકવાયા

ભુજ, તા. 23 : રાજ્યની સંવેદનશીલ સરકારે માનવીય અભિગમ અપનાવી ગૌશાળા-પાંજરાપોળને પશુ દીઠ સબસિડી ચૂકવવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે ત્યારે સબસિડી ચૂકવવાના નામે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ખોટી કાગારોળ મચાવી પ્રજાજનોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ થઈ રહ્યાનું રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું.અંજાર તાલુકાની 35 ગૌશાળા-પાંજરાપોળને સબસિડી ન ચૂકવાયા અંગે જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલે કરેલી રજૂઆતના અનુસંધાને પ્રતિવાર કરતા વાસણભાઈએ કહ્યું કે ખરેખર તો અંજાર તાલુકાની તમામ 45 જેટલી ગૌશાળા-પાંજરાપોળની પશુ સબસિડી સહાય મંજૂર કરી દેવામાં આવી છે. કલેક્ટર કક્ષાએથી અત્યાર સુધી અંજાર પ્રાંત અધિકારીના હવાલે 92 લાખની ગ્રાન્ટ ફાળવાયા બાદ તેનું ચૂકવણું પણ કરી દેવાયું હતું. એપ્રિલ માસની જે રકમ ચૂકવવાની બાકી છે તેનું ચૂકવણું પણ થોડા દિવસોમાં કરી દેવાશે. શ્રી આહીરે એમ પણ કહ્યું કે લોકડાઉનની કપરી સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે પશુઓ માટે સંવેદનશીલતા દેખાડી  એપ્રિલ બાદ મે માસમાં આ સબસિડી ચૂકવવાનું જારી રાખવાનો નિર્ણય લીધો છે. પણ વિપક્ષ પાસે કોઈ મુદા ન હોતાં આ રીતની ખોટી કાગારોળ મચાવી સત્ય હકીકતને છુપાવવાનો પ્રયાસ કરી રહી હોવાનું જણાવી શ્રી આહીરે એમ પણ કહ્યું કે માત્ર એપ્રિલ માસમાં જ 8 કરોડથી વધુની સબસિડી ત્રણ હપ્તામાં ચૂકવીને માત્ર સંવેદનશીલ નહીં ઐતિહાસિક પહેલ હોવાનું કહ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer