ગાંધીધામની એ શિપિંગ કંપનીને મંજૂરી ન આપવા થતી માંગ

ગાંધીધામ, તા. 23 : દીનદયાળ પોર્ટ માટે રિશી શિપિંગ કંપનીને વધારાના પરપ્રાંતીય મજૂરો લાવવાની મંજૂરી ન આપવા માંગ કરવામાં આવી હતી. લોકડાઉનના બીજા તબક્કામાં આ કંપનીએ ભાવનગરના રેડ ઝોનમાંથી 72 મજૂરો લાવવાની પરવાનગી લીધી હતી, પરંતુ 150થી 200 શ્રમિકો અહીં લઈ અવાયા હતા. આ તમામ મજૂરોનું કોઈ પણ જાતનું ક્વોરેન્ટાઈન કે સેનિટાઈઝેશન યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હતું. આ મજૂરો જ્યાં રહે છે ત્યાં કોઈ પણ જાતની સારસંભાળ કે તકેદારી રાખવામાં આવતી નથી. અગાઉ આ કંપનીમાં જે શ્રમિકો કામ કરતા હતા તેમને પૂરતું વળતર અપાયું નથી. લોકડાઉન માટેના સરકારી માર્ગદર્શન કે સૂચનાઓનું પાલન કરવામાં આવતું નથી. દીનદયાળ પોર્ટ દ્વારા જાહેર થયેલી સૂચનાઓનું પણ આ કંપની દ્વારા ધરાર ઉલ્લંઘન કરવામાં આવે છે. પરપ્રાંતીય મજૂરોની જો પરવાનગી મળશે તો તેનાં કરતાં બમણા શ્રમિકોને પોર્ટમાં ઘુસાડી દેવાની ભીતિ છે. આવા કારણોથી આ કંપનીને શ્રમિકો લઈ આવવાની પરવાનગી ન આપવા માંગ કરવામાં આવી છે. અગાઉ પણ આ કંપની દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવા છતાં પોર્ટ, પોલીસ કે સરકારે કોઈ જ પગલાં લીધાં નથી. આ કંપનીને પરવાનગી આપવામાં આવશે અને જો કોઈ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થશે તો તેની જવાબદારી પોર્ટ, શિપિંગ વિભાગ અને આ કંપનીની રહેશે. પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ દનિચાએ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી જણાવ્યું હતું કે, જો આ અંગે જરૂરત જણાશે તો કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. જેથી આ કંપનીને મજૂરો અંગેની પરવાનગી ન આપવા રજૂઆત કરવામાં આવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer