રામપર સરવા ગામની સીમમાં 2.80 લાખના ગેરકાયદે કોલસા ઝડપાયા

ભુજ, તા. 23 : નખત્રાણા તાલુકાનાં રામપર (સરવા) ગામની સીમમાંથી નખત્રાણા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રૂા. 2.80   લાખની કિંમતના ગેરકાયદે મનાતા બાવળિયા કોલસા ઝડપી પાડયા હતા. આ પ્રકરણમાં ગામના નૂરમામદ ઓસમાણ નારેજાની અટક કરાઇ હતી. નખત્રાણા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગોપાલ હરદાસ ગઢવીને મળેલી બાતમીના આધારે ઇન્સ્પેકટર જે.કે. રાઠોડના માર્ગદર્શન તળે દરોડો પાડીને આજે ગેરકાયદે મનાતા કોલસાનો આ મોટો જથ્થો પકડી પડાયો હતો.પોલીસ સાધનોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે રામપર સરવાની સીમમાં પવનચક્કી નજીક બાવળોની ઝાડીઓ વચ્ચેથી કોલસાનો આ જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થા વિશે કોઇ આધાર-પુરાવા રજૂ ન કરી શકાતાં તેને શંકાસ્પદ માલ તરીકે કબ્જે લઇ નૂરમામદ નારેજાની અટક કરાઇ હતી. કબ્જે કરાયેલી 700 બોરી કોલસાની કિંમત રા. 2.80 લાખ અંકારવામાં આવી છે.પોલીસે જરૂરી પ્રાથમિક કાર્યવાહી બાદ કેસની આગળની તપાસ વનતંત્રને સુપરત કરી હતી. હેડ કોન્સ્ટેબલ ગોપાલ ગઢવી સાથે આ કાર્યવાહીમાં મહાવીરાસિંહ જાડેજા અને રોહિતગિરિ એમ. ગુંસાઇ જોડાયા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer