માંડવી તાલુકા-શહેરમાં ડીપી ઉપર વધેલી બાવળની ઝાડી દૂર કરો

માંડવી, તા. 23 : તાલુકાના ગ્રામ્ય વિસ્તાર, રસ્તાઓ તથા માંડવી શહેર વિસ્તારના પી.જી.વી.સી.એલ. તરફથી મુકાયેલી ડી.પી. ઉપર ઝાડી, ઝાંખરાઓ દૂર કરવા યુવક ક્રાંતિદળ દ્વારા કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરાઇ હતી. સમગ્ર માંડવી વિસ્તારમાંથી ડી.પી. ઉપર બાવળ તથા અન્ય ઝાડીઓ વ્યાપક પ્રમાણમાં છે જે ઘાતક છે. ગમે ત્યારે ગંભીર સમસ્યા ઊભી થાય તેમ છે. જેથી તેને તાત્કાલિક દૂર કરવા તેમજ 11 કે.વી.ની પસાર થતી લાઇનો ઉપર પણ બાવળ વ્યાપક પ્રમાણમાં થયેલા છે જે પણ દૂર થવા જરૂરી છે. શહેર મધ્યે ન્યુ ટેલીફોન એક્સચેન્જની બાજુમાં કલ્યાણ રોડ પર ચાકી પાડા, જકાત નાકા પાસે, સ્નાનઘાટથી જીમખાના સુધી ગૌરવ પથ પર, કચ્છ ઓઇલ મીલ નજીક સહિત અનેક જગ્યાએ ઝાડીઓ જોખમી બની છે. ઉપરાંત નવા વીજ કનેકશન મેળવવાની અરજી પણ રૂરલ અને સિટી ડિવિઝનમાં સ્વીકારવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer