કાં તો તમામ દુકાનો ખોલવા દ્યો અથવા સંપૂર્ણ બંધ રાખો

કાં તો તમામ દુકાનો ખોલવા દ્યો અથવા સંપૂર્ણ બંધ રાખો
ભુજ, તા. 22 : સરકારના જાહેરનામા અંતર્ગત ઓડ-ઇવન નંબર મુજબ શહેરની દુકાનો ખોલવાની સૂચનાને પગલે વેપારીઓમાં નારાજગી ફેલાઇ છે. આજે વાણિયાવાડના વેપારીઓ દ્વારા કાં તો તમામ દુકાન ખોલવા દ્યો અથવા તો તમામ બંધ રાખો તેવી માંગ ઊઠી હતી.  લોકડાઉનને બે માસ જેટલો સમય થવા આવ્યો છે ત્યારે ગરીબ અને મધ્યમવર્ગ ધંધા-રોજગાર વિના આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે. માંડ માંડ દુકાનો ખોલવાનું જાહેરનામું બહાર પડયું અને વેપારીઓ રાજી થયા અને વેપાર માટે તનતોડ મહેનતમાં લાગી ગયા, પરંતુ નવા જાહેરનામામાં અપાયેલો સમય અને ઓડ-ઇવનને કારણે વેપારીઓ નિરાશ થયા છે તેવું મોટા  ભાગના વેપારીઓનું કહેવું છે. ભુજના વાણિયાવાડ ખાતે વેપારીઓ એકત્ર થયા હતા. નગરપાલિકા દ્વારા દરેક દુકાનો પર એક અને બે નંબર લગાડી ઓડ-ઇવન મુજબ દુકાનો ખોલવા જણાવાયું તે મુદ્દે નારાજગી દર્શાવી હતી. આ પ્રક્રિયામાં વેપારીઓ વધુ પરેશાન થયા હોવાની ફરિયાદ ઊઠી છે.  અગાઉ સવારે સાતથી સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખોલવા મંજૂરી અપાઇ હતી, જેને પગલે આર્થિક સંકડામણમાં થોડી રાહત મળતી હતી, પરંતુ તાજેતરમાં જ સમયમાં ઘટાડો કરાયો અને સવારે 8 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી દુકાનો ખોલવા અને તે પણ એક દિવસ એક અને બીજા દિવસે બીજી દુકાન ખોલવા જાહેરનામું બહાર પડાયું હતું.   વેપારીઓના જણાવ્યા મુજબ એક દુકાન સાથે જોડાયેલી બીજી દુકાન બંધ રહેતાં માંડ આવેલા ગ્રાહક પણ જતા રહે છે. વળી, બપોરે એકથી ચાર તો તાપ માથું ફાડી નાખે છે. કોઇ ગ્રાહક આવે નહીં તે સ્વાભાવિક છે, જેથી સવારે 8થી 12 વાગ્યા સુધી દુકાનો ખોલવા સાથે તૈયારી કરવા અને બંધ કરવા સમયે એક દોઢ કલાક ચાલ્યો જતો હોય છે. બાકીના સમયમાં જૂજ ગ્રાહક આવે છે, જેથી કોઇ મતલબ નથી સરતો. જો સાંજે સાત વાગ્યા સુધીનો સમય અપાય તો થોડા ગ્રાહકો મળી રહે અને આર્થિક ભીંસમાં વેપારીઓને રાહત મળે તેવું જાગૃત વેપારીઓએ જણાવ્યું હતું.  ઉપરોકત મુદ્દે સંભવત: આવતીકાલે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાય તેવું પણ જાણવા મળ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer