કોરોનાની દોડધામમાં વ્યસ્ત ગાંધીધામ પાલિકાને દબાણકારોએ ફેંક્યો પડકાર

કોરોનાની દોડધામમાં વ્યસ્ત ગાંધીધામ પાલિકાને દબાણકારોએ ફેંક્યો પડકાર
ગાંધીધામ, તા. 22 : લોકડાઉનના પગલે લગભગ તમામ સરકારી તંત્રો કામગીરીમાં વ્યસ્ત છે. અહીંની પાલિકા પણ દોડધામમાં છે. ત્યારે દબાણકર્તાઓને બખ્ખા થઈ પડયા છે. અનેક જગ્યાની જેમ શહેરના શિવાજી બગીચા પાસે નવી કેબિનો ખડકી દેવામાં આવી છે.  આ શહેર સંકુલમાં અનેક જગ્યાએ નાની મોટી કેબિનો ખડકી દઈને દબાણો વધતાં જાય છે. હાલમાં લોકડાઉનના પગલે પાલિકાના તમામ વિભાગ તેના કામે લાગ્યા છે. તેવામાં લોકડાઉનમાં રાહત મળતાં દબાણકર્તા ભૂગર્ભમાંથી પાછા બહાર નીકળી પડયા હતા. આવા તત્ત્વોએ નવી જગ્યા નજરાવી હતી અને ધીમે-ધીમે દબાણ કરતા થઈ ગયા હતા. શહેરની અન્ય જગ્યાઓની જેમ શિવાજી બગીચા પાસે પણ દબાણકર્તાઓએ દબાણ શરૂ કર્યું હતું. આ બગીચાના મુખ્ય દરવાજા પાસે ધીમે-ધીમે નવી-નવી કેબિનો ગોઠવાઈ ગઈ હતી. હાલમાં આ તમામ કેબિનો બંધ છે, પણ જેમ લાગ આવશે તેમ ધીમે-ધીમે આ કેબિનો ખોલવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. બગીચામાં હરવા-ફરવા આવતા લોકોનાં વાહનો પાર્ક કરવાની જગ્યાએ આ કેબિનો આવી જતાં હવે લોકો પોતાના વાહનો ક્યાં પાર્ક કરશે તેવા પ્રશ્નો સાથે અહીં હવે ટ્રાફિક સમસ્યા માથાના દુ:ખાવા સમાન થઈ પડશે તેવું લોકો જણાવી રહ્યા છે. આવા તમામ દબાણો દૂર કરવા લોકોએ માંગ કરી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer