મોતનું લેન્ડિંગ : કરાચીમાં ઘરો પર વિમાન તૂટી પડતાં ભારે ખુવારી

કરાચી, તા. 22?:?અહીં જિન્નાહ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (પીઆઈએ)નું 107 યાત્રીને લઈ જતું વિમાન તૂટી પડતાં આ ભયાનક જીવલેણ દુર્ઘટનામાં 98 યાત્રીના મોત થયાં હોવાનું જાણવા મળે છે. પાયલોટે કહ્યું હતું કે, વિમાનનું એન્જિન બગડી ગયું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કરતાં આ દુર્ઘટનામાં જીવ ખોનારા મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના દર્શાવી હતી.  દરમ્યાન ગમખ્વાર દુર્ઘટનામાં બે જણનો  ઈજાઓ સાથે બચાવ થયાનું જાણવા મળે છે. દેશ ઈદની ઉજવણીની તૈયારીમાં છે અને ઈદ નિમિત્તે લાહોરથી કરાચી આ ખાસ વિમાને ઉડાન ભરી હતી.  લાહોરથી ઉડાન ભર્યા પછી કરાચીમાં ઉતરાણની માત્ર એકાદ મિનિટ પહેલાં લગભગ ચારથી પાંચ ઘરોને પોતાની ચપેટમાં લેતા વિમાન તૂટી પડયું હતું. વિમાનની સાથે ઘરોમાં તેમજ વાહનોમાં પણ આગ લાગી હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર વિમાનની લેંડિંગ ગિયર ખૂલી શકી નહોતી. આ ગમખ્વાર દુર્ઘટના બાદ આકાશ તરફ ઊંચે  સુધી ધુમાડાના ગોટા ઊઠયા હતા. ભારે તબાહીથી કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. પાકના નાગરિક ઉડ્ડયન સત્તા મંડળે જણાવ્યું હતું કે, પાકિસ્તાન સેના અને વાયુદળે બચાવ - રાહત કામગીરી માટે ટીમો મોકલી હતી.  આ ગોઝારા અકસ્માતને નજરોનજર જોનાર સ્થાનિક મલિરની મોડેલ કોલોનીના રહેવાસીએ કહ્યું હતું કે વિમાનનાં પાંખડાંમાં આગ લાગી હતી. વિમાન તૂટીને જમીન પર પડવા પહેલાં કેટલાંક ઘરો પર પડયું હતું. આરોગ્ય મંત્રીએ આ કરુણ  દુર્ઘટના બાદ કરાચીની તમામ હોસ્પિટલમાં કટોકટી જાહેર કરી દીધી હતી.  લોકડાઉનના કારણે લાંબા સમયથી ઉડાનો બંધ હતી. ગત શનિવારે એટલે કે હજુ એક અઠવાડિયા પહેલાં જ ઘરેલું ઉડાનો શરૂ કરાઈ હતી. દરમ્યાન આ દુર્ઘટનામાં ચીન સાથે જોડાણ સામે આવ્યું છે. પાકના જીયો ન્યૂઝના અહેવાલમાં એવો દાવો કરાયો છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાન ચીન પાસેથી લીઝ પર મેળવાયું હતું.પીઆઈએ પ્રવક્તા અબ્દુલ સત્તારે વિમાન તૂટયું હોવાને સમર્થન આપ્યું હતું. વિવિધ તંત્રોના અધિકારીઓ, એમ્બ્યુલન્સ સાથે બચાવ-રાહતકર્મીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા.વિમાન તૂટવા સાથે ઘરોમાં પણ આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા એટલી હદે ફેલાઈ ગયા હતા કે, કંઈ પણ દેખાતું નહોતું. એક અહેવાલ અનુસાર અડધો ડઝન ઘર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયાં હતાં. અગ્નિશામક દળના જવાનોને આગ પર કાબૂ લેવા માટે ભારે કવાયત કરવી પડી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer