રિઝર્વ બેન્કનો વધુ એક બૂસ્ટર ડોઝ

નવી દિલ્હી, તા. 22 (પીટીઆઈ) : કોરોનાકાળમાં લથડેલી અર્થવ્યવસ્થા માટે કેન્દ્ર સરકારના આર્થિક પેકેજ બાદ હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)નો વધુ એક બૂસ્ટર  ડોઝ આવ્યો છે. આજે એક અણધાર્યાં પગલાંમાં કેન્દ્રીય બેન્કે તેના બેન્ચમાર્ક વ્યાજદરોમાં વર્ષ 2000 બાદનો સૌથી મોટો ઘટાડો જાહેર કર્યો હતો. રેપો રેટમાં 40 બીપીએસનો ઘટાડો કરાતાં નવો રેટ 4 ટકા થયો છે જ્યારે રિવર્સ રેપો રેટ 3.25 ટકા રહેશે. આ ફેરફારથી ઈએમઆઈનો બોજ થોડો ઘટી જશે. આ સાથે જ  ઈએમઆઈ ભરવા માટેની છૂટ (મોરેટોરિયમ)ને ત્રણ મહિના માટે વધારવામાં આવી હતી. એટલે કે, હવે ઓગસ્ટ સુધી કોઇ લોનધારક હપ્તા નહીં ભરે તો ચાલશે. કોરોના વાયરસને રોકવા માટે જારી લોકડાઉનમાં સતત ત્રીજી વખત આરબીઆઈએ ધ્વસ્ત અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે રાહતોની ઘોષણા કરી છે.  સૌથી પહેલાં 27 માર્ચના અને તે પછી 17 એપ્રિલે આરબીઆઈએ અનેક રાહતોની જાહેરાત કરી હતી. જૂન મહિનામાં નિર્ધારિત આર્થિક નીતિ સમિતિ (એમપીએસ)ની બેઠકને માર્ચ મહિના બાદ ફરી એક વખત વહેલી બોલાવી આરબીઆઈએ આ જાહેરાતો કરી હતી. બેઠક બાદ પત્રકાર પરિષદમાં નિર્ણયોની જાહેરાત કરતાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, વર્તમાન સંકટને ધ્યાને લેતાં બેન્કે કર્જના માસિક હપ્તા ભરવા પર રોક એટલે કે મોરેટોરિયમ વધુ ત્રણ મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે. આમ થવાથી કરજદારો તેમનો માસિક હપ્તો ઈચ્છે તો 31 ઓગસ્ટ સુધી ભરી શકશે નહીં. જોકે દરેક બેન્ક પોતાના કર્જદારોને રાહત આપવા પોતાના સ્તરે નિર્ણય લેશે. તેમણે  કહ્યું કે એમપીસીના નિર્ણય મુજબ 40 બેસિસ પોઈન્ટના ઘટાડા બાદ રેપો રેટ 4.4 ટકાથી ઘટીને 4 ટકા રહી જશે. એટલે હવે બેન્કોને અગાઉની તુલનામાં વધુ સસ્તું કરજ મળશે. જેનો ફાયદો તે ગ્રાહકોને આપશે. તેવી અપેક્ષા કેન્દ્રીય બેન્ક દ્વારા  રાખવામાં આવી છે. તેની સામે બેન્કો એફડી પરના વ્યાજદર ઘટાડી શકે છે. રેપો રેટમાં ઘટાડાનો નિર્ણય છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી એમપીસી બેઠકમાં કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી કર્જના હપ્તામાં લોકોને રાહત મળી શકે છે.આર્થિક વિકાસ અંગેનાં પોતાનાં પહેલાં સત્તાવાર અનુમાનમાં કેન્દ્રીય બેન્કે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી નેગેટિવ રહી શકે છે. તેમણે કહ્યું કે સૌથી મોટો ઝાટકો પ્રાઈવેટ કન્ઝમ્પ્શનને લાગ્યો છે. ગ્રાહક ઉત્પાદનોનું ઉત્પાદન માર્ચ 2020માં 33 ટકા ઘટી ગયું હતું. એ જ રીત મર્ચંડાઈઝ નિકાસ પણ 30 વર્ષના સૌથી ખરાબ સ્તરે છે. દાસે કહ્યું કે વર્ષના પહેલા છમાસિક ગાળામાં મોંઘવારી ઉચ્ચસ્તર પર રહી શકે છે પરંતુ બીજા છમાસિક ગાળામાં તેમાં ઘટાડો થવાની આશા છે. ત્રીજા-ચોથા છમાસિક ગાળામાં તે 4 ટકા નીચે આવી શકે છે. આયાત-નિકાસને વધારવા માટે પણ કેન્દ્રીય બેન્કે અનેક એલાન કર્યાં હતાં. પ્રીશિપમેન્ટ અને પોસ્ટ શિપમેન્ટ માટે એકસપોર્ટ ક્રેડિટના પરમિસિબલ પીરિયડને એક વર્ષથી વધારીને 15 મહિના કર્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer