શાળાઓ 15 જુલાઇથી ખૂલી શકે

નવી દિલ્હી, તા.22 : દેશમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતાં તમામ સ્કૂલ-કોલેજ બંધ છે. પરંતુ લોકડાઉન-4માં સરકાર દ્વારા અપાયેલી છૂટછાટને જોતાં એવી ચર્ચાઓ જાગી છે કે દેશમાં 15 જુલાઈના શાળાઓ ખૂલી શકે છે જોકે શાળાઓને ઓનલાઈન પર વધુ ધ્યાન આપવા કહેવામાં આવશે. માત્ર 33થી 50 ટકા જેટલી સ્કૂલો જ ખોલવામાં આવે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં શાળાઓને લઈને માર્ગદર્શિકા જારી કરી શકે છે. એક અહેવાલ અનુસાર માનવ સંસાધન વિકાસ મંત્રાલય સ્કૂલો અંગે એક માર્ગદર્શિકા તૈયાર કરી રહ્યું છે. તેને અંતિમ રૂપ આપવાનું હજુ બાકી છે. મળતી વિગત મુજબ શાળાઓ ખૂલશે તો કેટલાક બદલાવ આવી શકે છે. શાળાઓએ એકવખતમાં 33થી 50 ટકા બાળકોને બોલાવવાનાં રહેશે. શાળાઓએ ઓનલાઈન શિક્ષણ પર જોર આપવાનું રહેશે. વિદ્યાર્થીઓની સંખ્યા અનુસાર  ટોયલેટ, પીવાના પાણીની વ્યવસ્થા, હાથ ધોવાની સુવિધાને વધારવાની રહેશે. શાળાઓ સપ્તાહમાં બેથી ત્રણ દિવસ માટે ખૂલશે.લોકડાઉનમાં અપાયેલી છૂટછાટો જેમ જ કેન્દ્ર સરકાર માર્ગદર્શિકાના આધારે રાજ્યોને શાળાઓ ખોલવા બાબતે અંતિમ નિર્ણય લેવા કહી શકે છે. કેન્દ્ર સરકાર જોકે શાળાઓ ખોલવાની માર્ગદર્શિકા જારી કરવામાં હજુ રાહ જોઈ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કેસોની સંખ્યાને જોતાં જૂનના અંતિમ સપ્તાહમાં માર્ગદર્શિકાની પુનર્વિચારણા કરવામાં આવે અને બની શકે કે શાળા ખોલવાની તારીખમાં પણ ફેરફાર આવી શકે એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer