ભુજ-રાજકોટ એસ.ટી. બસ 15 દિ'' ફુલ

ભુજ, તા. 22 : દેશમાં ચોથા લોકડાઉન બાદ કચ્છમાં શરૂ કરાયેલી એસ.ટી. બસો તાલુકા મથકો સિવાય એક બસ ભુજ-રાજકોટ દોડાવાય છે, જે આગામી 15 દિવસ સુધી બુકિંગ ફુલ હોવાથી વધુ બસો દોડાવવા માંગ ઊઠી રહી છે. ગત બુધવારથી જિલ્લામાં એસ.ટી.નાં પૈડાં ફરતાં થયાં બાદ ઓનલાઇન બુકિંગ થકી દરરોજની ભુજથી રાજકોટ સુધી દોડાવાતી એકમાત્ર બસ આગામી 15 દિવસ સુધી ફુલ થઇ જતાં અનેક મુસાફરો અટવાઇ ગયા છે અને વધુ બસો દોડાવવાની માંગ પણ કરી રહ્યા છે. સૂત્રોએ આપેલી વિગતો મુજબ રાજકોટ ઉપરાંત ધ્રાંગધ્રા, જામનગર, સુરત અને આણંદ બાજુના રૂટ શરૂ કરવા પણ માંગ થઇ રહી છે, પરંતુ સરકારની માર્ગદર્શિકા મુજબ જ રૂટ દોડાવવાના હોવાથી અન્ય રૂટ ક્યારે શરૂ થશે તે હજુ સ્પષ્ટ ન થતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે વિભાગીય નિયામક ચંદ્રકાન્ત મહાજનનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, હાલ સરકારની સૂચના મુજબ સૌરાષ્ટ્ર ઝોનમાં જ બસો મોકલવાની છે. ભુજ-રાજકોટની દરરોજ સવારે 8 વાગ્યે એક બસ શરૂ કરાઇ છે, તેમ વધુ માંગ પ્રમાણે શિડયૂલ શરૂ કરાશે, તો માંડવી અને મુંદરાથી પણ રાજકોટ રૂટ શરૂ કરી દેવાયો છે. આ ઉપરાંત શુક્રવારે ગોંડલ અને ગઢડાથી પણ પ્રવાસીઓ મળતાં એસ.ટી. બસ ભુજ આવી હતી.દરમ્યાન પ્રવાસીઓનો ધીમેધીમે પ્રવાહ વધતો હોવાથી શુક્રવારે 1331 જેટલા પ્રવાસીએ એસ.ટી. બસનો લાભ લીધો હતો અને રૂા. 53,538ની આવક થઇ હતી. જો કે, તાલુકા મથકોએથી આવતી સવારની પ્રથમ ટ્રીપમાં જ મુસાફરો આવે છે. જે લોકો જિલ્લા મથકેથી ખરીદી કરી બપોર સુધી પરત ચાલ્યા જાય છે. બાકીની ટ્રીપમાં પ્રવાસીની સંખ્યા નહિવત જોવા મળે છે. દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છનો એસ.ટી. વ્યવહાર શરૂ થતાં સામખિયાળી પાસે લાંબી લાઈનો થકી ભીડથી બચવા રેડ ઝોનમાંથી ખાનગી વાહનો દ્વારા આવતા પ્રવાસીઓનો પ્રવાહ એ તરફ ફંટાવાનો ભય પણ જાગૃતો વ્યક્ત કરી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer