કૃષિ પેદાશ વેચાણ સુધારાને આવકાર

ગાંધીધામ, તા. 22 : કૃષિ પેદાશોના વેચાણ અર્થે સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાને વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા  બિરદાવવામાં આવ્યા હતા. ચેમ્બર પ્રમુખ અનિલ જૈનના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આવશ્યકચીજવસ્તુ ધારામાં સુધારાની ઘોષણા માટેઅને ગુજરાત સરકાર દ્વારા એપીએમસી એકટમાં કરવામાં આવેલા સુધારા બાબતે નાણામંત્રી  અને રાજયના મુખ્યમંત્રીને અલગ અલગ પત્ર લખીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે આ બને સુધારાઓ લાગુ પડવાથી કૃષિ ક્ષેત્રના બજારમાં આમૂલ પરિવર્તન આવશે. તેનાથી ખેડૂતો પોતાની પેદાશનું એપીએમસી  સિવાય અન્ય બજારમાં પણ સીધું વેંચાણ કરી શકશે. કચ્છની વિશાળ ખેતી લાયક જમીનમાં થતી પ્રખ્યાત કેસર કેરી, દાડમ, ખજૂર, વિગેરે બાગાયતી પાક ઉપરાંત અન્યપાકો માટે પણ હવે એપીએમસી સિવાયનું વિશાળ બજાર ઉપલબ્ધ થશે. આ સુધારા અમલમાં આવવાથી દેશભરમાં કોઈ પણ ખરીદદારને તેમની પેદાશો વેચી શકશે.અને કૃષી પેદાશોની મુકત હેરફેર માટેનું રાષ્ટ્રીય બજાર ઉભું કરવામાં મદદ થશે. કરાર આધારિત ખેતી વિગેરેને કૃષિ ક્ષેત્રે રોકાણ કરવા પ્રેરિત કરશે જેની જરૂરિયાત છે.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે અનાજ, ખાદ્યતેલો, અને તેલના બીજ વિગેરે ઉત્પાદકો પરના સ્ટોક નિયંત્રણના જૂના કાયદાના કારણે ખેડૂતોને તેમના ઉત્પાદનનું પૂરતું વળતર મળતું નથી. હવે આ કાયદામાં સુધારો થવાથી ખેડૂતોને તેમની મહેનતનું પૂરું વળતર પ્રાપ્ત થશે અને ગ્રામીણ અર્થવ્યવસ્થામાં  વિકાસની નવી તક ખૂલશે તેવો આશાવાદ   વ્યકત કર્યો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer