દોડો-દોડો લાખની લોન લઈ લો, ભરવાની નથી

માંડવી, તા. 22 : કોરોના વાયરસની મહામારીમાં સપડાયેલા નાના વેપારીઓ-કારીગરો તેમને બે મહિના સુધી લોકડાઉનમાં કમાણી બંધ થઈ જતાં પગભર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા રૂા. એક લાખ સુધીની લોન આપવાની જાહેરાત કરતાં નાના ધંધાર્થીઓમાં ચેતનાનો સંચાર  થયો છે. થોડા અંશે રાહતની લાગણી ફેલાઈ છે સાથે કેટલાક ચાલાક વચેટિયા અફવા ફેલાવી રહ્યા છે કે રૂા. એક લાખની લોન બેન્કમાંથી લઈ લો જે પરત ભરવાની નથી.આ બાબતની પૂરી જાણકારી માટે માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલ દોશી, પારસભાઈ શાહ માંડવી મર્કેન્ટાઈલ બેન્કના મેનેજર ભરત શુક્લાને મળ્યા. શ્રી શુક્લાના જણાવ્યા મુજબ આ લોન મળવી એ મોટા-લાંબાગાળાની યોજના છે જે વ્યવસાયકારોને પગભર થવા માટે રાહ જોવી પડશે. સૌપ્રથમ ફોર્મ છપાઈને આવી જવાથી તેનું બે દિવસમાં વિતરણ કરવામાં આવશે. જે તા. 31 ઓગસ્ટ 2020 સુધી ભરીને તા. 31-10 સુધી પરત આપવાના રહેશે. વધારામાં લોન તબક્કાવાર જ જુદા-જુદા એકમોમાં મળશે. નાના કારીગરોને રૂા. પચ્ચીસ હજાર, થોડા મોટા ગજાનાને રૂા. પચાસ હજાર, મધ્યમને રૂા. પંચોતેર હજાર તથા થોડા મોટા વેપારીને રૂા. 1 લાખની લોન મળી શકશે.ઉપરોક્ત અરજીની ધિરાણ રકમ ફોર્મ ચકાસીને તા. 15-11ના આપી દેવાશે. આ લોન મેળવવા માટે દરેક અરજદારે બે ગેરંટર આપવાના રહેશે. સાથે તમામ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. લોનમાં 2 ટકા વ્યાજ સાથે 6 ટકા વ્યાજ વ્યવસ્થિત સમયસર હપ્તા ભરનારનું સરકાર વ્યાજ ભરશે. 6 મહિના દરમ્યાન પછી 30 મહિના સુધી હપ્તા ભરવાના રહેશે. એમાં જરા પણ ચૂક થશે તો પૂરેપૂરું 8 ટકા વ્યાજ લાભાર્થીને ભરવાનું રહેશે. સાથે લોન આપતી બેન્કો પોતાના નિયમો પણ બનાવશે. લોન માત્ર બેન્કના શેરધારક સભાસદ હશે તેમને જ મળી શકશે. વાડીલાલભાઈએ જણાવ્યું કે, લોકોને હાલમાં જ લોનની જરૂર છે. 6 મહિના બહુ જ લાંબો ગાળો કહેવાય. સરકારી યોજનામાં લાભાર્થી વંચિત ન રહી જાય તેવી ચીવટ લેવી જરૂરી છે. કેડીસીસી બેન્કના મેનેજર સમીર મહેતાએ જણાવ્યું કે, અમને સરકાર તરફથી હજુ કોઈ જાણ નથી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer