અગનવર્ષા જારી : કંડલા (એ) 44.2 ડિગ્રી

અગનવર્ષા જારી : કંડલા (એ) 44.2 ડિગ્રી
ભુજ, તા. 21 : મંગળવારથી કચ્છમાં શરૂ થયેલો હીટવેવનો દોર સતત બીજા દિવસે જારી રહ્યો છે. આજે કંડલા (એ) કેન્દ્ર 44.2 ડિગ્રી મહત્તમ તાપમાને ધગધગી ઊઠયું હતું. એક જ દિવસમાં અહીં પોણા બે ડિગ્રી ઊંચકાતા કંડલા સંકુલનો આખો વિસ્તાર તાપ તાંડવથી ત્રાહિમામ પોકારી ઊઠયો હતો. જિલ્લાના તમામ મથકોમાં પારો 40 ડિગ્રીથી ઉપર રહ્યો હતો. કંડલા એરપોર્ટ 44.2 ડિગ્રીએ રાજ્યનું  બીજા ક્રમનું ગરમ મથક બન્યું હતું. બપોરના સમયે લૂ ઓકતી અગનવર્ષાએ લાલચોળ માહોલ સર્જયો હતો. જિલ્લા મથક ભુજમાં ગઈકાલે સિઝનનો સર્વાધિક ગરમ દિવસ અનુભવાયા બાદ આજે પણ 42.9 ડિગ્રીએ અંગારા ઓકતી ગરમી જારી રહી હતી. 11 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવને આભમાંથી આકરી લૂ વરસાવી હતી. રાપર અને ખાવડામાં 42 ડિગ્રી તાપમાને વાગડની સાથે જિલ્લાની રણકાંધી આકરી ગરમીમાં શેકાઈ હતી. કંડલા પોર્ટમાં 40.5 તો નલિયા અને મુંદરામાં પારો 40 ડિગ્રીએ અટકયો હતો. માંડવીમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભેજ વિહોણા સૂકા પવનોએ તાપની તીવ્રતામાં ધાર બક્ષી હતી. હવામાન વિભાગે વસમો વર્તારો આપતાં કહ્યંy કે, હજુ એક દિવસ રાજ્યમાં એકમાત્ર કચ્છમાં હીટવેવની સ્થિતિ જળવાયેલી રહેશે. નોંધનીય છે કે, આ વખતે શિયાળા ચોમાસા જેમ ઉનાળો પણ મોડો શરૂ થયો હોય તેમ દર સાલની તુલનાએ આ વખતે મે માસમાં હજુ જોઈએ તે પ્રકારની આકરી ગરમી પડી નથી. મેના અંતિમ પખવાડિયામાં પારો ઊંચકાવવાની શરૂઆત થઈ છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer