ગાંધીધામની સ્ટર્લિંગ કોરોના સિવાયના રોગો માટે `લોકડાઉન'' !

ગાંધીધામની સ્ટર્લિંગ કોરોના સિવાયના રોગો માટે `લોકડાઉન'' !
ઉદય અંતાણી દ્વારા-  ગાંધીધામ, તા. 8 : કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે અને કોરોના અસરગ્રસ્તોની સારવાર માટે રાજ્યના 26 જિલ્લાઓમાં 31 હોસ્પિટલો ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવા નિર્ણય લેવાયો છે જેમાં કચ્છમાં ગાંધીધામ ખાતે આવેલી અને એકમાત્ર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એવી સ્ટર્લિંગ રામકૃષ્ણ હોસ્પિટલનો પણ સમાવેશ કરાયો છે. કોરોનાના દર્દીઓ વિના જ પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ જીવલેણ રોગોની સારવાર બંધ કરાતાં ગાંધીધામ સહિત જિલ્લાભરના લોકો ભારે ચિંતામાં મુકાયા છે. જો કે આ મામલે હોબાળો થયા બાદ સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓએ દોડી જઇને બીજો રસ્તો શું નીકળી શકે તે અંગે વિચાર-વિમર્શ કર્યો હતો પરંતુ આજથી હોસ્પિટલમાં તમામ રોગની સારવાર બંધ કરી દેવામાં આવી હતી. કોરોનાના દર્દીઓની સઘન સારવાર માટે માળખું ઊભું કરવા માટે આદિપુરની હરિઓમ હોસ્પિટલ ઉપરાંત આવતીકાલથી કચ્છની એકમાત્ર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને પણ વહીવટી તંત્ર દ્વારા કોવિડ-19 સ્પેશિયલ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લેવાયો છે અને આ અંતર્ગત મંગળવારે વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલમાં ચાલતી તમામ સારવાર બંધ કરવા તાકીદ કરાઇ હતી. આ અંતર્ગત હોસ્પિટલમાં ગઇકાલે કુલ 50 દર્દીઓ દાખલ હતા તે પૈકી તમામને આજે સાંજ સુધી રજા આપી દેવામાં આવી છે. વેન્ટિલેટર ઉપર રહેલા પાંચ દર્દીઓને આઇસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ દ્વારા ભુજ અને અમદાવાદની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને બાકીના તમામ દર્દીઓને સાંજ સુધીમાં રજા આપી દેવાઇ હતી. કિડની, ન્યૂરો સર્જરી, હૃદયરોગની સારવાર પૈકી એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, અકસ્માતના કેસમાં સારવાર માટે ટ્રોમા સેન્ટર સહિતની અત્યાધુનિક સારવાર બંધ કરવાનો નિર્ણય લેવાતાં દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ તમામ સારવાર મા કાર્ડ હેઠળ જ આવરી લેવાની હોવાથી મોટાભાગના ગરીબ વર્ગના દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ડાયાલિસીસની સારવાર કરાવતા નલિયાના પ્રેમજીભાઇ, અંજારના અસલમભાઇ સહિતના દર્દીઓએ ડાયાલિસીસ બંધ થશે તો શું થશે તે અંગે ઘેરી ચિંતા કચ્છમિત્ર સાથેની વાતચીતમાં વ્યક્ત કરી હતી. ઘણાખરા દર્દીઓ અશક્ત હાલતમાં જણાયા હતા અને કેટલાક દર્દીઓએ એવું કહ્યું હતું કે મા કાર્ડમાં આવવા-જવાનું 300 રૂપિયાનું ભથ્થું મળે છે તેમાંથી જમીએ છીએ. વહીવટી તંત્ર કહે છે કે આદિપુરમાં ડાયાલિસીસ કરાવે પરંતુ લોકડાઉનમાં ક્યાંય વાહનો મળતા નથી. ધંધા રોજગાર છે નહીં, આવામાં પૈસા આપીને ડાયાલિસીસ કેમ કરાવી શકાય ? તેવો સવાલ કર્યો હતો. આ ઉપરાંત કેન્સરના પણ અનેક દર્દીઓ રેડિએશન અને કીમોની સારવાર લઇ રહ્યા છે તેને ક્યાં મૂકવા. હોસ્પિટલમાં દર મહિને 1100 ડાયાલિસીસ થાય છે. હાલ લોકડાઉનના સમયમાં અન્યત્ર ડાયાલિસીસ બંધ થતાં વધારાના દર્દીઓ પણ આવ્યા છે. હાલ સવારે 7થી રાત્રિના બે વાગ્યા સુધી સતત યુનિટ કાર્યરત રહે છે અને ઘણા દર્દીઓ 6 અને 10 વર્ષથી ડાયાલિસીસ કરાવે છે તેઓનું એક ડાયાલિસીસ ન થાય તો જીવનું જોખમ ઊભું થાય તેમ છે. દરમ્યાન આ મામલે પ્રજાકીય પ્રતિનિધિ સમક્ષ પણ લોકોએ રજૂઆત કરી હતી. બપોરે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અંજારના પ્રાંત અધિકારી ડો. વી. કે. જોષી અને તાલુકા આરોગ્ય તંત્રના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. રામકૃષ્ણ સેવા ટ્રસ્ટના પ્રમુખ મોહન ધારશી ઠક્કરે જણાવ્યું હતું કે હાલ ગાંધીધામમાં ઘણીખરી હોસ્પિટલો બંધ જ છે. લોકડાઉન બાદ પણ સેંકડો ઇમર્જન્સી સારવાર કરી છે. જ્યારે કોરોનાના દર્દી નથી તેમ છતાં જીવલેણ બીમારીથી પીડાતા દર્દીને સારવાર ન આપવી તે યોગ્ય નથી. તેમણે જણાવ્યું હતું કે, જરૂરિયાત સર્જાઇ તો 24 કલાકમાં હોસ્પિટલમાં કોરોનાના દર્દી માટે સઘન વ્યવસ્થા ઊભી કરાશે. જેથી હોસ્પિટલમાં ચાલતી તમામ ઇમર્જન્સી સારવાર યથાવત રહે તે દિશામાં ફેરવિચારણા કરવા રજૂઆત કરી હતી. આ મુદ્દે ચર્ચા-વિચારણા માટે જિલ્લા પ્રશાસનના અધિકારીઓ આવતીકાલે ગાંધીધામ આવશે તેવા અહેવાલ સાંપડયા છે.દરમ્યાન આ સંદર્ભે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે.એ કચ્છમિત્ર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હૃદયરોગના દર્દીઓને કચ્છમાં જ સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer