કચ્છના આશાપુરા ગ્રુપે આપ્યા એક કરોડ

કચ્છના આશાપુરા ગ્રુપે આપ્યા એક કરોડ
ભુજ, તા. 8 : ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસને નાથવાના પ્રયાસોમાં યોગદાન રૂપે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં એક કરોડ રૂપિયાનું દાન આપતાં આશાપુરા ગ્રુપના અધ્યક્ષ ચેતનભાઈ શાહે રાજ્ય સરકારના પ્રયાસોને બિરદાવ્યા હતા. જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે.ને ચેક સાથે આ પત્ર અર્પણ  કરાયો હતો. છેલ્લા 60 વર્ષ કરતાં વધુ સમયથી રાજ્યમાં ઔદ્યોગિક તેમજ સમાજસેવાના ક્ષેત્રોમાં સક્રિય આ પ્રતિષ્ઠિત ઉદ્યોગ જૂથના મોવડી શ્રી શાહે આ યોગદાન આપતાં ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. આશાપુરા ગ્રુપનું યોગદાન ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના પડકારને પહોંચી વળવાના પ્રયાસોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવો આશાવાદ સમાજચિંતક ઉદ્યોગપતિએ વ્યક્ત કર્યો હતો. આજે કંપની વતીથી જનરલ મેનેજર પ્રકાશ ગોર તથા  મનીષ પલણે કલેક્ટરને રૂા. એક કરોડનો ચેક સુપરત કર્યો હતો. કોરોના વાયરસની અસર રૂપે જ આશાપુરા ઈન્ડસ્ટ્રીઝ અત્યારે તેના કારોબારના નિયમિત સંચાલનમાં ભારે તાણ, તકલીફનો સામનો કરી રહી હોવા છતાં કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રત્યે સભાન રહીને આરોગ્ય સંકટના કપરા સમયમાં મદદની મળેલી તક ઝડપી લીધી છે તેવી લાગણી ચેતનભાઈએ વ્યક્ત કરી હતી. આશાપુરા જૂથ વતીથી પ્રકાશ ગોરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કોરોનાની અસરને ઘટાડવા માટેના પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે. આ સમયે ભૂસ્તરશાત્રી કેતન મહાવડિયા હાજર રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer