કચ્છમાં કમોસમી ઝાપટાંરૂપી વરસાદ

કચ્છમાં કમોસમી ઝાપટાંરૂપી વરસાદ
ભુજ, તા. 8 : એક બાજુ સમગ્ર દેશમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે તેવામાં બુધવારે જિલ્લામાં અમુક વિસ્તારોમાં કમોસમી ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. તો અમુક સ્થળે મકાનો-મંદિરોનાં છાપરાં પણ ઊડયાં હતાં. બુધવારે બપોર બાદ અચાનક છવાયેલા ધાબડિયા વાતાવરણ થકી પવનના સૂસવાટા સાથે ભુજ, ગાંધીધામ, કંડલા, નખત્રાણા તા.ના વંગ સહિતના વિસ્તારો તથા ભુજ તાલુકાના મિરજાપર, ભારાપર, કોડકી સહિતના ગામોમાં ઝાપટું પડતાં રીતસર વરસાદી માહોલ સર્જાયો હતો અને ગામડાંઓના માર્ગો પર તો પાણી વહી નીકળ્યાં હતાં. અચાનક આવેલા કમોસમી ઝાપટાં થકી કોરોનાનાં કારણે મુશ્કેલી ભોગવી રહેલા ખેડૂતોના કપાળે ચિંતાની લકીરો ખેંચાઈ હતી અને પડયા પર પાટું સમાન સ્થિતિ સર્જાઈ હતી.વાવાઝોડાં સમાન ફુંકાયેલા પવન સાથે વરસેલા વરસાદ થકી અમુક મંદિરો તથા શ્રમજીવીઓના મકાનોનાં છાપરાં પણ ઊડી જતાં આ પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા અને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ તો પખવાડિયા પહેલાં ગત 26મીએ માવઠું થયું હતું ત્યારે આટલા સમયમાં જ ફરી કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર થયેલા પાક પર ખતરો સર્જાયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer