-હવે દાડમની મંડીઓ શરતોને આધીન શરૂ કરી શકાશે

-હવે દાડમની મંડીઓ શરતોને આધીન શરૂ કરી શકાશે
કેરા (તા. ભુજ), તા. 8 : કરોડોનો દાડમનો પાક તૈયાર છે. લેવાલ પણ છે પણ મંડીઓ બંધ હોવાથી વેપાર થતા નથી. વેપાર કરેલ માલ ધારા 144ના કારણે ગ્રેડિંગ ન થવાથી અટક્યો છે. આવી રજૂઆતોનો ઉકેલ કરતાં કલેક્ટરે શરતોને આધીન મંડીઓ શરૂ શરૂ કરવા પરવાનગી આપતાં ખેડૂતોને રાહતના સમાચાર મળ્યા હતા. લોકડાઉન લંબાવાશે કે નહીં ? તે દ્વિધા વચ્ચે અટવાતો જન સામાન્ય માનવી આર્થિક વધ થઇ જવાની ભીતિ અનુભવે છે. ધરતીનો તાત ઓણસાલ થપાટો પર થપાટો સહન કરે છે. માંડ માંડ ફૂલ પકડાવી બે ડેડા હાથ કરવામાં લાગેલો દાડમનો પાક પડયા પર પાટું જેવી સ્થિતિમાં અટવાયો હતો અને લોકડાઉનના કારણે મોટું આર્થિક સંકટ અને સંબંધાનું ધર્મસંકટ વેપારી અને કિસાન વચ્ચે સર્જાયું હતું. મંડીઓમાં બારતુ મજૂરો ગ્રેડિંગ કરે તો ધારા 144નું શું ? કાર્યવાહીના ડરે કચ્છ જિલ્લાના અગ્રિમ વેપારી ઉમેશભાઇ વાસાણીએ જિલ્લા કલેક્ટરને મુશ્કેલી વર્ણવી હતી. જવાબમાં પ્રવીણા ડી.કે.એ જણાવ્યું કે નિયત ફોર્મ ભરો, પ્રક્રિયા પૂર્ણ કરો, શરતોને આધીન મંજૂરી આપવામાં આવશે. મંડી ક્ષેત્રની અંદર યોગ્ય અંતરે મજૂરો બેસે, તેને રહેવા-જમવાનું એ પરિસરમાં રખાય એ નિયત આચારસંહિતા પાળવાની રહેશે.માલ લઇ આવનાર ખેડૂત એક પછી એક પ્રવેશ કરશે અને સોદા થઇ શકશે. દાડમ જરૂરી વસ્તુની વ્યાખ્યામાં હોતાં ભારતમાં દાડમ ભરેલી ટ્રકને ક્યાંય નહીં અટકાવાય, દેશના કોઇ પણ રાજ્યમાં દાડમનું પરિવહન થઇ શકશે. અલબત્ત, દાડમ કે અન્ય કોઇ વેપારી જ્યારે મજૂરો ખેડૂતના ખેતરે લઇ જાય ત્યારે ત્રણથી વધુ એક વાહનમાં નહીં લઇ જઇ શકે 144 ધારાનું અનુપાલન ફરજિયાત છે. અમુક રાજ્યોમાં કૃષિ પાક સાથે વ્યક્તિઓની સામૂહિક હેરફેર પકડાય છે તેથી તકેદારી રખાઇ રહી છે. જિલ્લા ખેડૂતોને મંડી શરૂ થવાથી મોટી રાહત થઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer