મુંદરા તાલુકાના જરૂરતમંદો માટે ખાનગી કંપની દ્વારા અવિરતપણે રાશનકિટ વિતરણ

મુંદરા તાલુકાના જરૂરતમંદો માટે ખાનગી કંપની દ્વારા અવિરતપણે રાશનકિટ વિતરણ
મુંદરા, તા.8 : રોજનું કમાઈને ખાનારા વર્ગને તૈયાર ભોજન અને રાશનકિટ વિતરણનું કામ ખાનગી કંપની ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓએ ઉપાડી લીધું છે. શરૂઆતથી જ અદાણી પોર્ટ, અદાણી વિલમાર અને અદાણી ફાઉન્ડેશને નગર અને તાલુકામાં સેવાયજ્ઞ શરૂ કર્યો છે, જે સતત ચાલુ રહ્યા છે. સ્થાનિક મામલતદાર કચેરીએ આપેલી સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અદાણી ફાઉન્ડેશન દ્વારા તા. 5/4/20ના 659 રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું. વિલમાર તરફથી 487 ફૂડ પેકેટ વહેંચવામાં આવ્યા, જ્યારે પોર્ટ ઉપર આવતા-જતા વાહનચાલકોને પણ પોર્ટના ગેટ પાસે જ ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે. અદાણી હોસ્પિટલનું હરતું ફરતું દવાખાનું નગરના વિવિધ વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓને તપાસી દવાનું વિતરણ કરી રહી છે. લોકડાઉન થયાના દિવસથી આ બધી પ્રવૃત્તિઓ સતત ચાલુ રહેવા પામી છે. જ્યારે અન્ય સ્વૈચ્છિક સંસ્થામાં કારવાં-એ-મુસ્તફા તરફથી 1050ને ભોજન અને 476 રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું. જ્યારે ઉમરશા બાવા ટ્રસ્ટ તરફથી 835ને ભોજન અને 476 રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું. નગર અને તાલુકામાં ગુરુદ્વારા ટ્રસ્ટ તરફથી વહેલી સવારથી જ ભુખ્યાને ભોજન પૂરું પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જનસેવા સંસ્થાની ગાડી દ્વારા દૂર-દૂરની શ્રમિક વસાહતોમાં એકાદ હજાર લોકો સુધી ભોજન પહોંચતું કરવામાં આવી રહ્યું છે. મુંદરા તાલુકા વ્યાવસાયિક એસો. તરફથી બન્ને ટંક થઈને અંદાજે બે હજાર શ્રમિકોને તૈયાર ભોજનના પાર્સલ જુદી જુદી લેબર કોલોનીઓમાં પહોંચતા કરવામાં આવે છે. લોકડાઉનના કારણે સ્થાનિક અટવાઈ ગયેલા વાહનચાલકો પણ આ વ્યવસ્થાનો લાભ લે છે. જ્યારે ઓસવાળ શેરીના રહેવાસીઓએ પણ ભોજનની વ્યવસ્થા ઊભી કરી છે. આ કોઈ સંસ્થા નથી, પરંતુ મિત્રોએ સાથે મળીને ઉમદા કાર્યને શરૂ કર્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પણ ભોજન અને રાશનકિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નાયબ મામલતદાર યશોધર જોષીએ પૂરક માહિતી આપતાં જણાવ્યું કે, અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત પરપ્રાંતીય શ્રમિકોને રાશનકિટ આપવામાં આવી રહી છે. પ્રા. શાળાના 15,283 વિદ્યાર્થીઓના ખાતામાં અંદાજે સાડા નવ લાખ રૂા. તેમના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે. વિવિધ કામોને લગતા 6163 પાસ મામલતદાર કચેરી દ્વારા ઈસ્યૂ કરવામાં આવ્યા છે. આરતી ઈન્ડસ્ટ્રીઝ તરફથી વાય.એમ.સી. સંસ્થાના માધ્યમથી વલ્લભ વિદ્યાલય મધ્યે ભોજન અને રાશનકિટનું વિતરણ ચાલુ છે. ખાસ કરીને અન્ય રાજ્યના શ્રમિકોને ભોજન સંદર્ભે તકલીફ ન પડે તેની તકેદારી સંસ્થા દ્વારા લેવામાં આવી રહી છે. મુંદરા જૂના બંદર અને શેખડિયા સહિતની માછીમાર વસાહતોમાં ફાઉન્ડેશને મદદનો હાથ લંબાવ્યો છે. મુંદરા, કુંદરોડી, નાના કપાયા સહિતની ગ્રા. પંચાયત દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે છે. ઘણા સખીદાતાઓ પણ ચૂપચાપ સેવાનાં કાર્યમાં જોડાઈ ગયા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer