ગાંધીધામ બ્લડ બેન્કમાં રક્ત પર્યાપ્ત

ગાંધીધામ બ્લડ બેન્કમાં રક્ત પર્યાપ્ત
આદિપુર, તા. 8 : દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના પગલે લોકોની સલામતી અને રક્ષણ માટે થયેલા લોકડાઉનનાં કારણે જાણે જનજીવન થંભી ગયું છે એવું મહેસૂસ થાય છે. મોટાભાગના ધંધા-રોજગાર બંધ છે ને લોકો પોતાના ઘરોમાં જ રહે છે. આવા સંજોગોમાં  નાની-મોટી બીમારી પણ આવ્યા તો કરે જ કે જેમાં  લોહીના બાટલા ચડાવવાની પણ જરૂર પડે.હાલે ગાંધીધામ સંકુલમાં રકતદાન શિબિરો બંધ છે ત્યારે અહીંના એકમાત્ર રકતસંચય કેન્દ્રના સંચાલકોનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કરેલી વાત ધરપત આપી જાય છે.24 કલાક કાર્યરત, 1999માં શરૂ થયેલી આઇ.એમ.એ. ટ્રસ્ટ સંચાલિત રાજાભાઇ પટેલ બ્લડબેન્કના વર્તમાન અધ્યક્ષ ડો. નરેશ જોશી અને મંત્રી ડો. રાજેન્દ્ર શાહે જણાવ્યું કે, લોકડાઉનનાં પગલે રકતના વપરાશમાં પણ ઘટાડો?થયો છે. લોકડાઉન પૂર્વે દૈનિક ખપત 40થી 45 યુનિટની હતી જે હાલે થેલેસેમિયાના 3થી 4 દર્દીઓ સહિત સરેરાશ 25ની આજુબાજુ છે. હાલે લોકોને  કારણ વગર બહાર ફરવા કે એકઠા થવા પર પ્રતિબંધની માર્ગદર્શિકાને પગલે રકતદાન શિબિરો બંધ છે, પણ અહીં લોકજાગૃતિના  કારણે વ્યકિતગત રક્તદાન થયા કરે છે, જેના કારણે રકતની ઓચિંતી તંગી સર્જાય એવી કોઇ ભીતિ નથી. બેન્ક પાસે અત્યારે 150 જેટલા યુનિટનો જથ્થો છે ને રોજિંદા વપરાશ જેટલું રકત સ્વૈચ્છિક દાનથી મળી રહે છે, જે માટે આવા દાતાઓની ભાવના બિરદાવી વધુને વધુ લોકોને આ સેવાકાર્યમાં જોડાવા અનુરોધ કર્યો હતો. સંકુલમાં આશરે 100 જેટલા થેલેસેમિયાના દર્દીઓની સેવા પણ અહીં થાય છે. હાલના સંજોગોમાં  પ્રસૂતિ અને એક્સિડેન્ટલ બ્રેઇન હેમરેજ જેવા કિસ્સામાં રકતની જરૂરત પડે?છે. રૂટિન શત્રક્રિયાઓ ઘટી ગઇ છે. માર્ગ અકસ્માતો બંધ છે. એટલે રકત જરૂરતમાં પણ ઘટાડો થયો છે. થોડા મહિના પૂર્વે જ્યારે ડેંગ્યુ તાવે ઉપાડો લીધો હતો ત્યારે રોજિંદા વપરાશનો આંકડો  75થી 100 યુનિટ પર પહોંચ્યો હતો. પણ તેમ છતાં બ્લડ બેન્કની 21 વર્ષની ગતિવિધિમાં કદી પણ રકતની તંગી ઊભી નથી થઇ જેનું કારણ વિવિધ તબીબોની સેવા-નિષ્ઠા, વિવિધ સંસ્થાઓ અને લોકોની રકતદાન માટેની જાગૃતિ છે.  જે જાગૃતિ જળવાઇ રહે એ જરૂરી છે. રકતદાન માટે ઇચ્છુક દાતાઓએ બ્લડ બેન્ક (ફોન-02836 257633)નો સંપર્ક કરવા પણ જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer