કચ્છના 9.58 લાખ લોકોને મળશે મફત અનાજ

ભુજ, તા. 8 : લોકડાઉનના પગલે અત્યારે તમામ વર્ગ જ્યારે પોતાના ઘરોમાં છે એવા સંજોગોમાં ગરીબીરેખા હેઠળના કે અંત્યોદય યોજનામાં આવતા રાશનકાર્ડધારકોને મફત અનાજ વિતરણ કરી દેવાયું પરંતુ સૌથી મોટી મુસીબત મધ્યમ વર્ગના પરિવારને હતી તે દૂર કરવા છેલ્લા ત્રણ દિવસથી રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના સંપર્કમાં રહેલા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની રજૂઆતને ધ્યાને લઇ કચ્છ સહિત રાજ્યના તમામ કહી શકાય એવા રાશનકાર્ડધારકોને મફતમાં અનાજ આપવાનો આજની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નિર્ણય લીધો છે, જેમાં કચ્છની 9.58 લાખની જનસંખ્યાને મફતમાં અનાજ-રાશન મળશે. ખાનગી હોય કે સરકારી નોકરીવાળા, મોટા પગારવાળા વર્ગને બાદ કરતાં અત્યારે આમ નાગરિક તો પરેશાનીમાં છે. આવો મધ્યમ વર્ગ સાચો ભીંસમાં આવી ગયો હતો. નાની-મોટી દુકાન હોય કે રિક્ષાચાલક, નાના પગારદાર અથવા તો વાર્ષિક જેમની ઓછી આવક છે એવા પરિવાર કહી શકાય કે મોટાભાગના પરિવારોનો સમાવેશ કરવા સાંસદ શ્રી ચાવડાએ માગણી કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે ગામેગામથી લોકોના ફોન આવતા હતા કે હાલની સ્થિતિમાં દરેક લોકો ઘેર બેઠા છે ત્યારે સરકારે માત્ર ગરીબીરેખા કે અંત્યોદયવાળાને નહીં ખરેખર  તમામને રાશન મફત આપવું જોઇએ. આ મુદ્દે સાંસદ છેલ્લા ત્રણ દિવસથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા પુરવઠા મંત્રીના સંપર્કમાં રહીને રાજ્ય સરકાર નિર્ણય જલ્દી લે તેવું જણાવ્યું હતું કારણ?કે સ્વમાનભેર જીવન જીવતા પરિવારોને લાભ મળવો ખૂબ જ જરૂરી છે. બી.પી.એલ., પી.એચ.એ., અન્નબ્રહ્મવાળા સહિત ખાદ્યાન કાયદા હેઠળના પરિવારોને ઘઉં, ચોખા, ખાંડ, દાળનો જથ્થો મફતમાં આવી રહ્યો છે.ખાસ કરીને એ.પી.એલ.વાળા રાશનકાર્ડધારકો મધ્યમવર્ગના પરિવારવાળા હોવાથી આવા વર્ગમાંથી અનાજ પુરવઠો આપવાની ઊઠેલી માંગને પગલે આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જાહેરાત કરી એ.પી.એલ.-1ના તમામ કાર્ડધારકોને મફતમાં અનાજ આપવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રકારની કરેલી જાહેરાતમાં કચ્છના સાંસદ વિનોદભાઇનો ઉલ્લેખ પણ?કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓ સતત આવા પરિવારોની ચિંતા કરતા હતા. આજની કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સથી વિગતો મેળવી હતી. કચ્છમાં ભુજ ખાતે કલેક્ટર કચેરીમાં પ્રવાસન મંત્રી વાસણભાઇ આહીર જોડાયા હતા. તેમણે પણ સરકારમાં કચ્છની સ્થિતિ રજૂ કરી હતી. આ સમયે કલેક્ટર પ્રવીણા ડી.કે. હાજર રહ્યા હતા. કચ્છના કેટલા પરિવારોને લાભ મળશે એ મુદ્દે જિલ્લા પુરવઠા અધિકારી રીના ચૌધરીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, એ.પી.એલ.-1ની કેટેગરીવાળા કાર્ડધારકોની સંખ્યા 2,50,675 છે જેની કુલ વસતી 9.58 લાખ?થાય છે. જ્યારે એ.પી.એલ.-2વાળા 12,816 રાશનકાર્ડધારકો કચ્છમાં છે જેની જનસંખ્યા 50 હજાર છે. પરંતુ 9.58 લાખની જનસંખ્યાને આજની જાહેરાતનો લાભ મળશે. આવા કાર્ડધારકોને 10 કિલો ઘઉં, 3 કિ. ચોખા, 1 કિલો દાળ, 1 કિ. ખાંડનો જથ્થો સરકારની સૂચના પ્રમાણે એપ્રિલ માસ દરમ્યાન મફતમાં આપવામાં આવશે. વિશેષમાં અત્યાર સુધી જે બી.પી.એલ. કે અંત્યોદયવાળા 88 ટકા કાર્ડધારકોને માલ આપી દેવામાં આવ્યો છે તેવું ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer