કચ્છભરમાં વ્યસનીઓ બેહાલ અને પરિજનો કહે છે, ઉત્પાદનો બંધ કરવાનો શ્રેષ્ઠ સમય

કાઠડા (તા. માંડવી), તા. 8 : કોરોનાની મહામારીને ફેલાતી અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉનની અમલવારી ચાલુ છે ત્યારે લોકડાઉનના કારણે સૌથી વધુ કફોડી હાલત પાન-મસાલા અને ગુટખાના બંધાણીઓની થઇ છે. જો કે આ તમામ વ્યસનને કાયમી તિલાંજલિ આપવાનો લોકડાઉનના કારણે મોકો મળ્યો છે તેને હાથમાંથી જવા ન દેવાનો મત જાગૃત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.પાન-મસાલા અને ગુટખાના બંધાણીઓની સ્થિતિ લોકડાઉનના કારણે એટલી તો કફોડી બની ગઇ છે કે તેમને પાન-મસાલા અને ગુટખાની પડીકી લેવા માટે બમણાથી ત્રણગણા દામ ચૂકવવા પડી રહ્યા છે. વ્યસનીઓ માલ લેવા માટે બધું કરી છૂટવા માટે રીતસરના મથી રહ્યા છે પણ તેઓ આ વ્યસનને કાયમી તિલાંજલિ આપવા માટે રસ દાખવી રહ્યા જ નથી. ખરેખર તો લોકડાઉનના લીધે આ બલા સમાન વ્યસનને છોડવાનો અવસર હાથ લાગ્યો છે ત્યારે ભલે થોડા દિવસ બંધાણી વૃત્તિના કારણે મુશ્કેલી વેઠવી પડે પણ આ કષ્ટ થોડા દિવસ સહન કરીને પણ જો ગુંદરની માફક ચીટકી ગયેલા આ વ્યસનને છોડવાનો મોકો મળતો હોય તો તેનાથી વિશેષ બાબત કઇ હોઇ શકે. જમવાનું નહીં મળે તો ચાલશે પણ ગુટખા-તમાકુ વગર તો નહીં જ ચાલેને તેવી બંધાણીઓની હાલના સમયની મનોવૃત્તિ થઇ ગઇ છે. આમ તો કોઇ પણ વ્યસન તાબડતોબ છોડવું થોડું અઘરું બની જતું હોય છે. જો કે લોકડાઉનમાં પાન-મસાલાની દુકાનોને બંધ કરી દેવાતાં વેપારીઓ ગરજનો લાભ લઇને મનફાવે તેવા ભાવ વસૂલી રહ્યા છે. આવા સંજોગોમાં આ વ્યસનને કાયમને માટે છોડવાનો આનાથી વધુ સારો અવસર હોઇ શકે નહીં. નોંધનીય એ પણ છે કે ગુટખાની પડીકી પર પણ સ્વાસ્થ્ય માટે જાનલેવા એવું લખેલું હોય છે પણ આવા લખાણોની બંધાણીઓ પર કોઇ અસર આજ દિન સુધી જોવા મળી હોય તેવું દેખાતું નથી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer