રાત્રે માધાપર ક્વોરેન્ટાઇન થયા અને સવારે બે જણ કડોલ દેખાયા !

ભુજ, તા. 8 : ભચાઉ તાલુકાનાં કડોલ ગામના ત્રણ લોકો મુંબઇથી મંગળવારે આવ્યા બાદ સામખિયાળી પાસે સૂરજબારી ચેકપોસ્ટ પર તપાસ કરતાં ત્રણમાંથી એક શંકાસ્પદ લાગતાં ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના બે જણને માધાપર ખાતે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. પરંતુ સવાર થતાં જ બે વ્યક્તિઓ તો કડોલ ગામમાં આંટા મારતાં નજરે પડતાં આશ્ચર્ય ફેલાયું હતું. એટલું જ નહીં, સગાં-સંબંધીઓની ખબરઅંતર પૂછવા પણ લાઇનો લાગી હતી. તેવામાં તંત્રને ખબર પડતાં  તુરંત જ તેમના ઘેર પહોંચી ગયા હતા. વગદાર  હોવાને કારણે રાત્રે ઘેર પહોંચી આવ્યા પણ ઘેર આવેલી પોલીસ અને આરોગ્યની ટીમને સોંપવા પણ આનાકાની કરાઇ?હોવાની ચર્ચા જાગી છે.વૈશ્વિક મહામારીએ માથું ઊંચક્યું છે ત્યારે લોકોની બેદરકારી અન્યોને માટે પણ જીવલેણ ન નીવડે તે જોવાનું રહ્યું. ખાસ કરીને કડોલ, ચોબારી, કણખોઇ અને આસપાસના ભચાઉ?અને રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ જાગૃતિનો અભાવ વર્તાય છે. સાંજ પડે ને શેરીએ, ગલીએ કે ધાર્મિક સ્થાનો પર મેળાવાઓ અને બેઠકો મોડીરાત સુધી ધમધમે છે. પોલીસ પર આવા તત્ત્વો નજર રાખે છે. પોલીસની ગાડી નીકળી જાય કે તુરંત જ ફરી પાછા જૈસે થે જેવો તાલ સર્જાય છે.આ વિસ્તારમાં પોલીસ પણ નબળી પડતી હોવાનું લોકો જણાવી રહ્યા છે. ખાસ કરીને મુંબઇ કે અન્યત્રથી આવેલા લોકો ફરવાના શોખીન છે, જે ગ્રુપમાં નીકળી પડતા હોય છે અને ઘણી વખત તંત્રને પણ દાદ દેતા નથી તે તો આ દાખલા પરથી જ દેખાઇ આવે છે. આ બે ક્વોરેન્ટાઇન કરાયેલાઓને કોની ભલામણથી કડોલ ગામમાં લાવવામાં આવ્યા તે તપાસ કરી સંબંધિતો સામે કડક હાથે કામ લેવાશે કે કેમ તેવો સવાલ ઊઠયો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer