મુસાફરોને ક્રેડિટ નોટના બદલે તત્કાલ રિફંડ મળે તેવી વ્યવસ્થા ગોઠવો

ભુજ, તા. 8 : લોકડાઉનના કારણે તમામ પ્રકારની પરિવહન સેવા પર પાબંધી મૂકી દેવાતાં હજારો મુસાફરોને પોતાના આગોતરા બુકિંગ રદ કરવાની ફરજ પડી છે ત્યારે પ્રવાસીઓને ક્રેડિટ નોટના બદલે તત્કાલ અસરથી રિફંડ ચૂકવાય તેવી વ્યવસ્થા સરકાર દ્વારા ગોઠવાય એવી રજૂઆત કરવામાં આવી છે.ટ્રાવેલ એજન્ટ એસોસિએશને કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર હજારોની સંખ્યામાં મુસાફરોની સાથે ટ્રાવેલ એજન્ટોના રિફંડ અટવાઈ પડયા છે. સૌરાષ્ટ્ર ચેપ્ટરના પ્રમુખ દેવેન શાહ તેમજ ઉપપ્રમુખ અંશુલ વચ્છરાજાનીએ કરેલી રજૂઆતમાં એવું જણાવાયું છે કે, રિફંડના વિકલ્પરૂપે ક્રેડિટ નોટ અપાઈ રહી છે જેમાં પથી 12 માસના સમયગાળામાં એ જ વ્યક્તિના નામે ફરીથી બુકિંગ કરવા જણાવાયું છે. જો કે આ કારણોસર ટ્રાવેલ એજન્ટ અને પ્રવાસીઓ વચ્ચે નાહકની તકરારની સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે.એસોસીએશનને આ બિનજરૂરી તકરારને ટાળવા માટે એરલાઈન્સ કંપની કે પછી જેને હોટલના જવાબદારો મારફત ગ્રાહકોને આ રિફંડ વેળાસર તત્કાલ અસરથી ચૂકવાઈ જવાને માટે કેન્દ્ર - રાજ્ય સરકાર વ્યવસ્થા ગોઠવે તેવી માગણી પત્રમાં ઉલ્લેખ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, રિફંડ અટવાયાની સ્થિતિ વચ્ચે પ્રવાસી ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા અવારનવાર ચર્ચા કરી વચલો રસ્તો કાઢવાના પ્રયાસો તો કરાઈ જ રહ્યા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer