કોરોના ક્રિકેટરોના ખિસ્સા ખાલી કરશે

મુંબઇ, તા. 8 : કોરોના વાઇરસને લીધે આઇપીએલ સહિતની ક્રિકેટની તમામ સિરિઝ રદ થઇ ચૂકી છે અથવાનો સ્થગિત કરાઇ છે. જેની અસર ખેલાડીઓની સેલરી પર પણ પડશે. બીસીસીઆઇના સુમાહિતગાર વર્તુળમાંથી જાણવા મળે છે કે કોવિડ-19ને લીધે આઇપીએલ રદ થવા પર અને બીજી ઇન્ટરનેશનલ સિરિઝ કેન્સલ થવાને લીધે બોર્ડને અંદાજે બે હજાર કરોડ રૂપિયાની નુકસાની વેઠવી પડશે. આ નુકસાની ખેલાડીઓમાં પણ વહેંચાશે તે પણ સ્વીકારવું જ રહ્યંy. બીસીસીઆઇના નફાનો 26 ટકા હિસ્સો ખેલાડીઓના સેલરીમાં આપવાનો નિયમ છે. જેમાંથી 13 ટકા ઇન્ટરનેશનલ ક્રિકેટરોને મળે છે. બાકીનો ભાગ ઘરેલુ અને જુનિયર ક્રિકેટરોના ભાગે આવે છે. જેમાં હજારોની સંખ્યામાં ખેલાડીઓ હોય છે. જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં લગભગ 30-40 ખેલાડી જ હોય છે. બીસીસીઆઇની નુકસાનીને લીધે તેના કર્મચારીઓનો પણ પગાર કપાશે. હાલ બીસીસીઆઈના 7 કરોડના એ પ્લસ કરારમાં સુકાની વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ છે. જ્યારે પ કરોડના એ કેટેગરીના કરારમાં ચેતેશ્વર પુજારા, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અંજિકયા રહાણે, મોહમ્મદ શમી, કેએલ રાહુલ સહિતના ક્રિકેટર્સ છે. બી કેટેગરીના કરાર ધરાવતા ખેલાડીઓને વાર્ષિક 3 કરોડ બીસીસીઆઇ ચૂકવે છે.જેમાં હાર્દિક પંડયા અને મયંક અગ્રવાલ સહિતના ખેલાડીઓ છે. સી કેટેગરીમાં શ્રેયસ અય્યર, હનુમા વિહારી સહિતના ખેલાડીઓ છે. તેમને 1 કરોડ મળે છે. બીસીસીઆઇ કોચ રવિ શાત્રીને દર વર્ષે 9 કરોડ ચૂકવે છે. ધોની હાલ બીસીસીઆઇના વાર્ષિક કરારમાં સામેલ નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer