વિઝડન : વિરાટની કૂચને રોક

લંડન, તા. 8 : ઇંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ભારતીય કપ્તાન વિરાટ કોહલીના પાછલાં ત્રણ વર્ષથી ચાલ્યા આવતા દબદબાને ખત્મ કરીને બુધવારે વર્ષ 2019નો વિઝડનનો વિશ્વનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર (વિઝડન લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ)નું સન્માન હાંસલ કર્યું છે. વિઝડન ક્રિકેટર્સ અલમાનેકએ 2020ની આવૃત્તિમાં બેન સ્ટોકસને 2019ના તેના શ્રેષ્ઠ દેખાવ માટે સન્માન આપ્યું છે. જે આ પહેલા સતત ત્રણ વર્ષ સુધી વિરાટ કોહલીએ હાંસલ કર્યું હતું. કોહલીને આ એવોર્ડ વર્ષ 2016, 2017 અને 2018માં સતત ત્રણ વર્ષ વિઝડન તરફથી મળ્યો હતો. આ વર્ષની એવોર્ડ સૂચિમાં કોઇ ભારતીય પુરુષ કે મહિલા ક્રિકેટરને જગ્યા મળી નથી. સ્ટોક્સે આ સન્માન પહેલીવાર મેળવ્યું છે. આ પુરસ્કાર વિઝડન તરફથી 2003માં શરૂ કરાયો હતો. તે બાદથી સ્ટોક્સ માત્ર બીજો એવો ઇંગ્લેન્ડનો ખેલાડી છે જેણે આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યો હતો. આ પહેલા 200પમાં એન્ડ્રૂ ફિલન્ટોફને આ સન્માન મળ્યું હતું. આ વર્ષે મહિલા વિભાગમાં ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસ પેરી વિશ્વની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર જાહેર થઈ છે. વિઝડને વર્ષના પાંચ શ્રેષ્ઠ ખેલાડી પણ જાહેર કર્યા છે. જેમાં પેરી ઉપરાંત ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર પેટ કમિન્સ, ઇંગ્લેન્ડનો ઝડપી બોલર જોફ્રા આર્ચર, ઓસ્ટ્રેલિયાનો બેટસમેન માર્નસ લાબુશેન અને દ. આફ્રિકાનો સિમોન હાર્મર છે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝના આંદ્રે રસેલને ટી-20નો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર જાહેર કરાયો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer