પ. કચ્છમાં જાહેરનામા ભંગના 158 કેસ

ભુજ, તા. 8 : લોકડાઉનના પગલે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન જાહેરનામાના ભંગ બદલ 158 કેસ કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. જ્યારે જરૂર વિના રોડ પર નીકળી પડેલા લોકોના 100 જેટલા વાહનો અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરાયાં છે. પોલીસ કર્મચારીઓના મેડિકલ ચેકઅપ થયા હતા તેમજ પોલીસ દ્વારા રાશનકિટનું વિતરણ થયું હતું. ભુજ, મુંદરા, નખત્રાણા અને નલિયા પો.સ્ટે.ના અલગ-અલગ વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવેલી અને લોકોને ઘરની અંદર રહેવા માટે પોલીસે સમજ આપી હતી. કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રણ માટે પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લાના જે લોકોને હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવેલા છે તેઓને પોલીસ દ્વારા ટીમ બનાવી રોજેરોજ ચેક કરાઈ રહ્યા છે તેમજ ભુજના હિંગલાજવાડી, ઘનશ્યામનગર વિસ્તારમાં પોલીસ બેન્ડની સુરાવલિ દ્વારા લોકોનું મનોરંજન કરી પોલીસ અધીક્ષક સૌરભ તોલંબિયા દ્વારા તકેદારી સંદેશાઓ પાઠવવામાં આવ્યા હતા. પોલીસ અધીક્ષક શ્રી તોલંબિયા દ્વારા શહેરના પોલીસ બંદોબસ્તના પોઈન્ટની વિઝિટ કરી તેમજ જિલ્લામાં વીડિયો કોન્ફરન્સનું આયોજન કરી જિલ્લાના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નખત્રાણા વિભાગના નાયબ પોલીસ અધીક્ષક વી.એન. યાદવ તેમજ સી.પી.આઈ. વી.જી. ભરવાડે નખત્રાણા પો. સ્ટે.ના સ્ટાફ સાથે નખત્રાણા, દયાપર પો.સ્ટે.ના બાર જેટલા ગામોના સરપંચો તેમજ ગામના આગેવાનોની મુલાકાત લઈ ગામડાઓમાં લોકડાઉનનું પાલન કરવા અંગેની વિસ્તૃત સમજણ આપી હતી. ગામમાંથી પોલીસ મિત્રો બનાવી આ કામમાં સહભાગી થવા સૂચનો આપવામાં આવ્યા હતા તેમજ ગઢશીશા, નારાયણ સરોવર, નલિયા, મોખા ટોલગેટ ખાતે તથા એસ.ઓ.જી. શાખાના ફરજના અધિકારીઓ/ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 75 જેટલા સિનિયર સિટીઝનોની પોલીસ દ્વારા મુલાકાત કરી તેમની સારસંભાળ લેવામાં આવી હતી. તથા જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ આપીને કોઈ તકલીફ હોય તુરંત જ પોલીસનો સંપર્ક કરવા સૂચના આપી હતી.  તેમજ જખૌ મરીન પોલીસ સ્ટાફ દ્વારા સમાજના આગેવાનોની મદદથી તેમજ આર્ચીયન કંપનીના સહયોગથી માછીમારી કરતા 102 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોઠારા અને નલિયામાં એકંદરે 20 જેટલા શખ્સો મળી આવતાં પોલીસે કાર્યવાહી કરી હતી. ગઢશીશા પોલીસે પણ 6 કેસ નોંધી કાર્યવાહી કરી હતી. દરમ્યાન માહિતી ખાતાની યાદી મુજબ 188ના ભંગ બદલ ગઈકાલ સુધી કુલ 245 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવામાં આવી છે અને રૂા. 74,500 જેટલી રકમનો દંડ કરવામાં આવ્યો છે. જાહેરનામાના ભંગ બદલ 415 જેટલા વ્યક્તિઓની ધરપકડ થઈ છે. કચ્છ જિલ્લામાં ગઈકાલ સુધીમાં કુલ 425 વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer