ભુજની જથ્થાબંધ બજાર માટે નવું જાહેરનામું બંધનકર્તા નથી

ભુજ, તા. 8 : માત્ર શહેર જ નહીં, પરંતુ આખા કચ્છ જિલ્લાનું વ્યાપારી જગત જેના પર મોટો મદાર રાખે છે, તેવી જથ્થાબંધ બજારને નવાં જાહેરનામાનો સમય બંધનકર્તા નથી, તેવું જિલ્લા વહીવટી તંત્રે કહ્યું છે.ભુજની જથ્થાબંધ બજારના વેપારીઓ કોરોના પ્રેરિત લોકડાઉનનું પ્રામાણિક પાલન કરે છે અને સામાજિક અંતર રાખીને પ્રશાસન તરફથી મળેલી છૂટની મર્યાદામાં કારોબાર કરતા હોવા છતાંયે પોલીસ તરફથી સમયમર્યાદાનાં નિયંત્રણો પાળવાફરજ પડાય છે.હકીકતમાં જથ્થાબંધ બજારને 7થી 12ની સમયમર્યાદા બાધ્ય નથી અને આખો દિવસ ચાલુ રાખી શકાશે, તેવું ખુદ કલેકટર પ્રવીણા કે.ડી.એ જ્ણાવ્યું છે. જથ્થાબંધ બજારમાં 50-50 દુકાનો એકાંતરે ખોલવાની અપાયેલી છૂટ મુજબ કારોબાર કરાય છે.સાથોસાથ શક્ય તેટલું ઝડપી કામ આટોપીને લોકડાઉનનું શિસ્ત પળાતું હોવાનું વેપારીવર્તુળો કહે છે. જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલ ઠક્કરે જણાવ્યું હતું કે, સવારના સાત વાગ્યાથી બાર સુધીનો સમયગાળો રાખવામાં આવ્યો છે જે બજારના વેપારીઓ વહેલામાં વહેલા સવારના નવ વાગ્યે બજારમાં આવતા હોય છે તેમજ બીજી તરફ લોકલ વેપારીઓને માલની ડિલિવરી કરવા જતા છકડા તેમજ અન્ય વાહન તેમની દુકાને પહોંચે તેમાં સમય લાગતો હોય છે, તો ગ્રામ્ય વિસ્તારોના ટેમ્પા સહિત તાલુકા મથકોએ જતા ટ્રાન્સપોર્ટવાળાને પણ માલ લોડિંગ કરવામાં સમય નીકળી જતો હોય છે જેથી તેમણે સત્તાવાળા સમક્ષ સમયગાળામાં થોડી છૂટછાટ આપવાની રજૂઆત કરી હતી. જેનો તેમને અનુકૂળ પ્રત્યુત્તર મળ્યો હતો જેથી આજે બજારમાં લગભગ એકથી દોઢ વાગ્યા સુધીમાં પૂરતા પ્રમાણમાં માલનું વેચાણ થઇ શક્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer