કેન્સર અને કિડનીના દર્દીઓની સારવાર નિયત સમયે થવી જરૂરી

ગાંધીધામ, તા. 8 : શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલને કોરોનાની સારવાર માટે કોવિડ સ્પેશિયલ હોસ્પિટલ તરીકે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાઇ તે પ્રશંસનીય છે પરંતુ હોસ્પિટલ ખાતેની અન્ય અત્યાધુનિક સારવાર પણ બંધ ન થાય તે અત્યંત જરૂરી હોવાનું પ્રદેશ કોંગ્રેસના અગ્રણીએ જણાવ્યું હતું. જિલ્લા કલેકટરને કરાયેલી રજૂઆતમાં હાજી જુમા રાયમાએ જણાવ્યું હતું કે, સ્ટર્લિંગ હોસ્પિટલમાં કેન્સરના મહિને 600 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. કીમોના 150 દર્દીઓ અને ડાયાલિસીસના 1200 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આ તમામ ઇમર્જન્સી સહિતની તમામ સારવાર બંધ કરવામાં આવી છે.  કેન્સર અને કિડનીના દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા ગોઠવવા અનુરોધ કરાયો છે. કેન્સર અને કિડનીના દર્દીઓની પરિસ્થિતિ દયાજનક હોય છે, જો સારવારની ચેઇન તૂટશે તો મોતના મુખમાં ધકેલાઇ જશે. તેમની સારવાર નિયત કરેલા સમયે થવી જ જોઇએ જેથી આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા અનુરોધ કરાયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer