ભુજની વાયબલ હોસ્પિટલ કોવિડ તરીકે જાહેર કરાતાં વિરોધ

ભુજ, તા. 8 : રહેણાકની વસાહત વચ્ચે આવેલી ભુજની વાયબલ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલની કોવિડ-19ના દરદીઓ માટે પસંદગી કરવામાં આવતાં આસપાસની સોસાયટીના લોકો બહાર નીકળી આવ્યા છે અને નિર્ણયમાં ફેરવિચારણા કરવાની માંગ કરી છે. ભુજના હોસ્પિટલ રોડ પર આ હોસ્પિટલ આવેલી છે તેને અડીને જૈન સોસાયટી, આદર્શ, જલારામ, અંબિકા અને નાગરિક સોસાયટી આવેલી છે. આ તમામ વસાહતના રહેવાસીઓએ કલેકટરને એક પત્ર લખી વિરોધ નોંધાવ્યો હતો. મહામારીને રોકવા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીને પત્રમાં બિરદાવવામાં આવી અને અધિકારી, કર્મચારી કામ કરે છે તે અભિનંદનને પાત્ર છે પરંતુ વાયબલ હોસ્પિટલ જ્યાં છે ત્યાં અડીને અનેક રહેણાકના મકાન છે, લોકોમાં અત્યારે આમેય કોરોનાનાં કારણે ભયનો માહોલ છે આવા સંજોગોમાં આ હોસ્પિટલ કોરોના દર્દીઓ માટે અનામત રાખવાના નિર્ણયથી રહેવાસીઓમાં ઉચાટ અને ચિંતા ફેલાયા છે. ભરચક એવા આ વિસ્તારની હોસ્પિટલને ગંભીર મહામારીના દર્દીઓ માટે જાહેર કરવાના માત્ર નિર્ણયથી મોટી ચિંતા થઇ પડી છે તો તાત્કાલિક અસરથી ફેરવિચારણા કરવામાં આવે અને રહેવાસીઓની લાગણી સમજવામાં આવે તેવી માગણી પત્રમાં કરવામાં આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer