પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને એપ્રિલ-મે-જૂન માસ દરમ્યાન ગેસ રિફિલિંગ ફ્રી અપાશે

ભુજ, તા. 8: `પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના' અંતર્ગત `પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના'ના લાભાર્થીઓને માસ એપ્રિલ-ર0ર0, મે-ર0ર0 તથા જૂન-ર0ર0 એમ ત્રણ માસનું ગેસ રિફિલિંગ ફ્રી (વિનામૂલ્યે) આપવાનું સરકારે જાહેર કર્યું છે. જે મુજબ લાભાર્થીઓએ પોતાના સિલિન્ડરની રિફિલિંગ માટેની બુકિંગ ઓનલાઇન કરાવવાની રહેશે. જે IVRS, mobile App, Whatsapp, Pay TM વિગેરેથી કરી શકશે. વિશેષ માહિતીની જરૂરિયાત જણાયે પોતાની ગેસ એજન્સીનો સંપર્ક કરીને માહિતી મેળવી શકે છે. જે લાભાર્થી કે તેમના કુટુંબના કોઇપણ સભ્ય પાસે મોબાઇલ ન હોય તેઓ પોતાની એજન્સી પાસે ઉપલબ્ધ નિયત ફોર્મ ભરીને આ ફ્રી રિફિલિંગ માટેની રિકવેસ્ટ કરી શકશે અને નિયમોનુસાર લાભ મેળવી શકશે. જે લાભાર્થીઓ પાસે મોબાઇલ છે તેમણે ફ્રી રિફિલિંગનો લાભ મેળવવા માટે ઉપર મુજબ ઓનલાઇન બુકિંગ કરાવવું ફરજિયાત છે. ઓનલાઇન બુકિંગ કરાવવાથી જ્યારે ઓનલાઇન બુકિંગ કન્ફર્મ થશે ત્યારે લાભાર્થીના જે બેંક ખાતું તથા આધારકાર્ડ લિંક હશે તે ખાતામાં રિફિલિંગ અંગેની રકમ જમાં થશે. જેથી બેંક એકાઉન્ટ અને આધાર લિંક હોવું જોઇએ. આ માટે કોઇ પ્રશ્ન કે મુશ્કેલી હોય તો OMCની હેલ્પલાઇન ઉપરથી વિશેષ માહિતી મેળવી શકશે તેમજ જો એડવાન્સ રકમ જમાં ન થાય તો તેવા કિસ્સામાં પોતાની એજન્સીનો સંપર્ક કરીને / OMC ની હેલ્પલાઇન ઉપરથી તે અંગેના કારણો જાણી શકાશે અને પ્રશ્નનું નિરાકરણ થઇ શકશે.આ યોજના હેઠળ લાભાર્થીને દરમાસે કસ્ટમર દીઠ 14.ર કિ.ગ્રા.નું એક સિલિન્ડર મળવાપાત્ર રહેશે અને આખી યોજના દરમ્યાન 3 સિલિન્ડર ફ્રી (વિનામૂલ્યે) મળવાપાત્ર રહેશે. જો 5 કિ.ગ્રા.નું સિલિન્ડર હોય તો મહિનામાં 3 અને આખી યોજના દરમ્યાન કુલ 8 સિલિન્ડર મળશે. મળવાપાત્ર લાભની રકમ લાભાર્થીઓના એકાઉન્ટમાં એડવાન્સ જમા થઇ જશે જેથી જ્યારે ડિસ્ટ્રીબ્યુટર એજન્સી તરફથી સિલિન્ડરની ડિલિવરી લાભાર્થીને મળે ત્યારે નિયમો મુજબની રિસિપ્ટ ડિલિવરી મેન આપશે. જે રકમ રોકડમાં સંબંધિત એજન્સીના ડિલિવરી મેનને ચૂકવવાની રહેશે અને રિસિપ્ટમાં જરૂરી સહી પણ તે લાભાર્થી દ્વારા કરી આપવાની રહેશે તેવું જિલ્લા પુરવઠા અધિકારી, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer