ભુજ-આદિપુરની કોરોના સ્પે. હોસ્પિટલમાં બેડની સંખ્યા કાગળ ઉપર વધી ગઈ

ગાંધીધામ, તા. 8 : રાજ્ય સરકાર દ્વારા આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં કોરોના વાયરસના સંક્રમણની સઘન સારવાર માટે રાજ્યના 21 જિલ્લાઓમાં 31 ખાનગી હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં કચ્છની ત્રણ ખાનગી હોસ્પિટલો પૈકી બે હોસ્પિટલના હયાત બેડની સંખ્યા કરતાં વધુ બેડની સંખ્યા દર્શાવવામાં આવી છે. આ અંગે મળતી વિગતો મુજબ ભુજની વાયબલ હોસ્પિટલ, આદિપુરની હરિઓમ હોસ્પિટલ અને ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલનો કોરોનાની સારવાર માટે સમાવેશ કરાયો છે. આ ત્રણેય હોસ્પિટલમાં બેડની સંખ્યા 100 જેટલી બતાવવામાં આવી છે. ભુજની વાયબલ હોસ્પિટલમાં 100 અને આદિપુરની હરિઓમ હોસ્પિટલમાં 100 બેડની સુવિધા હોવાનું રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. હકીકતમાં વાયબલમાં 30 અને આદિપુરની હરિઓમ હોસ્પિટલમાં 55 બેડ છે. આદિપુરમાં તો ખુદ જિલ્લા વહીવટી તંત્રએ જ 55 બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી હતી. આમ કોરોનાની સારવાર માટે બે હોસ્પિટલમાં 85 બેડની સામે 200 બેડનો આભાસી આંકડો જાહેર કરાતાં આશ્ચર્ય પ્રસર્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer