સૂકાં ભેગું લીલું ન બળે એ પોલીસ તંત્ર ધ્યાન રાખે

ભુજ, તા. 8 : કોરોના મહામારીને અંકુશમાં લેવાનો રામબાણ ઇલાજ સોશિયલ ડિસ્ટન્સીંગ છે. એ કારણે જ દેશમાં 21 દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. નિયમોના અમલ માટે વહીવટીતંત્ર અને વિશેષ તો પોલીસ તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે પરંતુ કડકાઇના નામે કયાંક સૂકાંભેગું લીલું બળી જતું હોવાની ફરિયાદ બહાર આવી છે.શહેરના જાણીતા નાગરિક આજે સવારે ખરીદી અર્થે સાડા દસ વાગ્યે કારમાં નીકળ્યા હતા. કરિયાણું લેવાનું હોવાથી પત્ની સાથે હતાં. જ્યુબિલી મેદાન પાસે પોલીસના સવાલોના ખુલાસાબંધ જવાબ આપ્યા તેમ છતાં કાર જપ્તીની ધમકી આપી અને રૂા. 500/-ની પાવતી ફાડીને જ સંતોષ લીધો. એક યુવાન દવા માટે નીકળ્યો હતો. ટુ વ્હીલરમાં એકલો જ હતો છતાં દંડ ફટકારી દેવામાં આવ્યો. અન્ય કેટલાક જાગૃત નાગરિકોએ પણ આવી રાવ ખાધી હતી. કેરોના સામેની લડાઇમાં પોલીસ જવાન અગ્રીમ મોરચે લડી રહ્યા છે. પરિવારની પરવા કર્યા વિના કલાકો ડયુટી બજાવે છે. જાહેરનામા અનુસાર છૂટછાટ સિવાયના કલાકોમાં એકદમ સખ્તી જરૂરી છે પરંતુ છૂટછાટ દરમ્યાન નિયમાનુસાર અને જરૂરી કામે નીકળતા નાગરિકોની વાતમાં વિશ્વાસ મૂકવો જોઇએ. સાથે લોકો પણ પોલીસને પૂરતો સહકાર આપે એ પણ જરૂરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer